GANDHINAGARMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી સિરામિક શ્રમિકો સાથે ઘોર અન્યાય : વળતરના આદેશ છતાં કાર્યવાહી શૂન્ય, કંટાળેલા પીડિતો ગાંધીનગરના શરણે.

 

MORBI મોરબી સિરામિક શ્રમિકો સાથે ઘોર અન્યાય : વળતરના આદેશ છતાં કાર્યવાહી શૂન્ય, કંટાળેલા પીડિતો ગાંધીનગરના શરણે.

ન્યાય ન મળતાં ૩ પરિવારોએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓને દાખલ કરી ફરિયાદ.

મોરબીના સિરામિક ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોના સ્વાસ્થ્ય અને કાયદેસરના હક્કોનું રક્ષણ કરવામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (DISH) કચેરી સદંતર નિષ્ફળ નીવડી છે. સિલિકા ડસ્ટને કારણે જીવલેણ ‘સિલિકોસિસ’ રોગનો ભોગ બનેલા કામદારોના વળતર બાબતે મોરબી કચેરીની ઢીલી નીતિથી કંટાળીને તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ ત્રણ પીડિત પરિવારોએ ગાંધીનગર ખાતે સચિવશ્રી લોચન સેહરા, અમદાવાદ ખાતે સમક્ષ રૂબરૂ પહોંચીને લેખિત ફરિયાદો નોંધાવી છે.

કચેરીએ વળતર નક્કી કર્યું, પણ અપાવવાની તસ્દી ન લીધી અરજદારોની રજૂઆત મુજબ, મોરબી ડીસ કચેરી દ્વારા જ ત્રણેય કામદારોનું વળતર નક્કી કરી, માર્ચ ૨૦૨૬માં સંબંધિત કંપનીઓને ૧૫ દિવસમાં રકમ જમા કરાવવા લેખિત આદેશ કરાયા હતા. જેમાં સોનેટ સેનેટરીવેરના રમેશભાઈ રાઠોડ માટે રૂ. ૧૪,૩૮,૨૦૦/-, નોબેલ ઇન્ડસ્ટ્રીઝના સ્વ. મેરુભાઈ કણજારીયા માટે રૂ. ૧૨,૨૦,૦૪૦/- અને સિમ્પોલો વિટ્રીફાઈડના મીઠાભાઈ સોલંકી માટે રૂ. ૧૪,૬૭,૬૩૦/- નું વળતર નક્કી કરાયું હતું. સમયમર્યાદા વીતી જવા છતાં કંપનીઓએ રકમ જમા કરાવી નથી અને મોરબી કચેરીએ આ બાબતે કોઈ કાયદેસરનો દાવો કે કડક કાર્યવાહી કરી નથી.

વળતરની રાહ જોવામાં એક કામદારનું મોત, અન્યોએ ખાધા કચેરીના ધક્કા

આ બેદરકારીનું સૌથી કરુણ પરિણામ એ છે કે નોબેલ ઇન્ડસ્ટ્રીઝના કામદાર મેરુભાઈ કણજારીયાનું વળતર મળે તે પહેલાં જ સીલીકોસીસથી મૃત્યુ થઈ ગયું છે. તેમના પુત્રએ ૧૦થી વધુ વાર કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેવી જ રીતે અન્ય પીડિત મીઠાભાઈ સોલંકીએ પણ કચેરીના ૮થી વધુ ધક્કા ખાધા હોવા છતાં અધિકારીઓ કોઈ જ સંતોષકારક જવાબ કે માહિતી આપતા નથી. શારીરિક અને આર્થિક રીતે તૂટી ચૂકેલા કામદારોને કચેરીના ચક્કર કાપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.

ઉચ્ચ કક્ષાએ પીડિતોની ૪ મુખ્ય માંગણીઓ:તાત્કાલિક કેસ દાખલ કરો: કંપનીઓએ રકમ જમા ન કરાવી હોય તો સરકારના પરિપત્ર મુજબ વળતર કમિશનર સમક્ષ કાયદેસરનો વળતર દાવો દાખલ કરવામાં આવે.

અધિકારીઓ પાસે ખુલાસો માંગો: વળતર અપાવવામાં અને દાવો દાખલ કરવામાં નિષ્ક્રિયતા દાખવનાર મોરબી ડીસ કચેરીના સંબંધિત અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવે.

વ્યાજ અને પેનલ્ટી સાથે વળતર: તમામ પીડિતોને તેમના કાયદેસર હક મુજબનું વળતર વ્યાજ અને પેનલ્ટી સાથે તાત્કાલિક ચૂકવવામાં આવે.

વીમો ફરજિયાત કરો: ભવિષ્યમાં અન્ય કામદારો આ રીતે ન રઝળે તે માટે ખાતા દ્વારા તમામ ઔદ્યોગિક એકમોને ‘કામદાર વળતર ધારા’ નો વીમો ખરીદવાની કડક સૂચના આપી તેનું પાલન કરાવવામાં આવે. જો કામદારો ઇ એસ આઇ કાયદા હેઠળ આવરી લઇ શકાય તેવા હોય તો તેમને ઇએસઆઇ કાયદા હેઠળ આવરી લઇ તેમને ઓળખ કાર્ડ કઢાવી આપવું.

જો સત્વરે આ ગરીબ અને બીમાર કામદારોને ન્યાય નહીં મળે તો તેમની સ્થિતિ વધુ કફોડી બનશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!