Rajkot: વિંછીયા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના ગ્રંથાલયમાં ૫૦૦થી વધુ પુસ્તકો અર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૧૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા છાત્રોને આ પુસ્તકો મદદરૂપ બનશે: રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ વિંછીયા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના ગ્રામ ગ્રંથાલયમાં ૫૦૦થી વધુ પુસ્તકો અર્પણ કર્યા હતા.
આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ બને તે જરૂરી છે. વિદ્યાર્થીઓ કરંટ અફેર્સની સાથે સાહિત્યિક તથા ધાર્મિક પુસ્તકો થકી બૌદ્ધિક વિકાસ સાધી શકે તે માટે આ પુસ્તકો ઉપયોગી નીવડશે. આ પુસ્તકો યુવાનોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ તકે મંત્રીશ્રીના હસ્તે વિંછીયા તાલુકાના અમરાપુર, મોઢુકા, પીપરડી, કંધેવાળીયા ગ્રામ પંચાયતમાં ગ્રંથાલય દીઠ ૧૮૮ પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.
રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં અન્ય ગ્રામ ગ્રંથાલયોમાં પણ પુસ્તકો વિતરિત કરવામાં આવશે. વધુમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જરૂરિયાત મુજબ રૂ. ૮૦ હજાર સુધીની કિંમતના પુસ્તકો આપવામાં આવશે, તેમ મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું.
આ પ્રસંગે જસદણ પુસ્તકાલયના અધિકારીશ્રી, વિંછીયા તાલુકાના પ્રમુખશ્રી, સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








