GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
આકરી ગરમીના કારણે શ્રમિકો પાસે બપોરે 1થી 4 કામ નહીં કરાવી શકાય : ગુજરાત સરકારનો આદેશ
ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીને કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો છે.
શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર, બપોરે 1:00થી 4:00 વાગ્યાના સમયગાળામાં શ્રમિકો પાસે કામ નહીં કરાવી શકાય. આ ઉપરાંત મોટા પ્લોટમાં થતાં બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં માથે સીધો તાપ અસર કરે તેવા સ્થળે પણ શ્રમિકો પાસે કામ નહીં કરાવી શકાય. આ આદેશનું પાલન તમામ લોકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી પડતાં શ્રમ આયોગની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.