દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેનાની ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત
બંને મહાનુભાવો વચ્ચે દિલ્હી અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક, શહેરી વિકાસ, પર્યાવરણ સુધારણા અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર વિચાર-વિમર્શ
દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેનાએ આજે ગાંધીનગર માં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે બંને મહાનુભાવો વચ્ચે ઉષ્માભર્યો સંવાદ થયો હતો. મુલાકાત દરમિયાન દિલ્હી અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક, શહેરી વિકાસ, પર્યાવરણ સુધારણા અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેનાજી વચ્ચે થયેલી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન બંને રાજ્યોના અનુભવો, તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી સુશાસન, સ્વચ્છ ઊર્જા, પ્રાકૃતિક કૃષિ અને સાતત્યપૂર્ણ શહેરી વિકાસ જેવા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. આ અવસરે શ્રી સક્સેનાએ ગુજરાતની જનકલ્યાણકારી પહેલ અને પ્રાકૃતિક ખેતી જેવા અભિયાનોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રકારના નૂતન અભિગમ અને પ્રયાસો સમગ્ર દેશ માટે અનુસરણીય છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છી શાલ ઓઢાડીને શ્રી વિનય કુમાર સકસેનાજીનું અભિવાદન કર્યું હતું. તેમણે ગુજરાતના વડનગરના તોરણની પ્રતિકૃતિ ભેટ આપી હતી. શ્રી વિનય કુમાર સક્સેનાજીએ પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું અભિવાદન કર્યું હતું.