GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

દિવ્યાંગજનો માટે માર્ગદર્શનરૂપ “દિવાદાંડી” પુસ્તકનું ગાંધીનગરથી વિમોચન કરતા સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડે રહેલા દિવ્યાંગજન સુધી પહોંચે તે માટે આ પુસ્તક આશીર્વાદરૂપ સાબિત થશે

—–
“દિવાદાંડી” પુસ્તકમાં અંગ-ઉપાંગની ખોડ-ત્રૂટિ હોવા છતાં હિંમતપૂર્વક પોતાનું આત્મગૌરવ વધારીને મહેચ્છા સાથે પુરુષાર્થ થકી ‘હમ કુછ કમ નહીં’ એવું તેજસ્વી વ્યક્તિત્વ ઉભું કરનાર ‘દિવ્યાંગો’ના કલ્યાણ અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી દર્શાવવામાં આવી છે. દિવ્યાંગો માટેની યોજનાકીય વિસ્તૃત વિગતો ધરાવતું આ પુસ્તક માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, તેમ પુસ્તક વિમોચન પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શનરૂપ “દિવાદાંડી” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી ભાનુબેને વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગજનો પોતાની મેળે સશક્ત બને, તેમની અંદર રહેલી આંતરિક શકિતઓની મદદથી કંઈક નવું કરવા પ્રેરણારૂપ બને તેમજ તેમનું સશક્ત રીતે જીવન નિર્વાહ થઈ શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ છેવાડે રહેલા દિવ્યાંગજન સુધી પહોંચે તે માટે આ પુસ્તક દિવ્યાંગજનો અને તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ મન કી બાત કાર્યક્રમ થકી દેશના વિકલાંગોને વિકલાંગને બદલે ‘દિવ્યાંગ’ કહી દિવ્યાંગોને ભારતના નિર્માણમાં જોડ્યા છે અને તેમને સન્માન આપ્યું છે. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે ‘દિવ્યાંગ અધિકાર અધિનિયમ-૨૦૧૬’ પસાર કરી દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓનું સુપેરે અમલીકરણ થઈ રહ્યું છે. દિવ્યાંગજનોનું આત્મગૌરવ જળવાય તેમજ આપણી આસપાસના દિવ્યાંગોની શક્તિની કદર કરી, જરૂર પડે ત્યાં યોજનાકીય માહિતી તેમના સુધી પહોંચાડવા મંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, સમાજ સુરક્ષા નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ અને સંયુક્ત નિયામક શ્રીમતી હંસાબેન વાળા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!