GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાજ્યના 5 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા

કોરોનાની નવી લહેર જાણે આગળ વધી રહી હોય તેમ આજે સૌરાષ્ટ્રમાં વધુ આઠ કેસ ઉમેરાયા છે, જેમાં જૂનાગઢ અને જામનગરમાં 1- 1 તથા રાજકોટમાં તો એક જ દિવસમાં વધુ 6 કેસનો ઉમેરો થયો છે. આ દર્દીઓમાં યુવા વયનાં દર્દીઓની સંખ્યા વધુ છે, જ્યારે ચેપ લાગવામાં બહારગામ મુસાફરી અને વેક્સિનના ડોઝ વગેરે શુ અસરકર્તા છે તે તબીબો કળી શક્યા નથી.

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના જે કેસો ઉમેરાયા છે તે અલગ- અલગ વિસ્તારોમાં ફેલાયેલા જોવા મળ્યા છે. આ પૈકી વોર્ડ નંબર- ૬ના રામપાર્ક- 1માં તાજેતરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં ધરાવતી 25 વર્ષીય યુવતી, વોર્ડ નં. 10માં યુનિવર્સિટી રોડ પર પ્રેમમંદિર નજીકના સદગુરુનગરનો 32 વર્ષીય મુંબઈ રિટર્ન યુવક, એ જ પરિવારમાં છ મહિનાનું બાળક, વોર્ડ નં.7માં એસ.ટી. બસપોર્ટ નજીક રહેતો દુબઈ રિટર્ન 26 વર્ષીય યુવાન, વોર્ડ નં.૧૮માં કોઠારિયાના મંગલપાર્કનો તાજેતરમાં ક્યાંય બહારગામ નહીં ગયેલો યુવાન અને વોર્ડ નં. 11માં મવડી- જીવરાજપાર્ક ખાતે ટ્રાવેલ હિસ્ટ્રી નહીં ધરાવતા 63 વર્ષીય વૃધ્ધ એમ કુલ છમાંથી ચાર કેસ યુવા વર્ગમાંથી નોંધાયા છે.

આ પૈકી બાળકને બાદ કરતા બાકીનાં છમાંથી એક વ્યક્તિએ કોરોનાવિરોધી રસીનો માત્ર એક ડોઝ, બે લોકોએ 2-2 ડોઝ અને બે દર્દીએ તો ત્રણેત્રણ ડોઝ લીધેલા છે. તમામને શરદી- ઉધરસ, તાવ, માથાનો દુઃખાવો, થાક જેવાં સમાન લક્ષણો જણાયા છે અને તમામ હોમ આઈસોલેટ છે. શહેરનાં તમામ આરોગ્ય કેન્દ્રોને મહાપાલિકાના આરોગ્ય વિભાગે તાકીદ કરી છે કે તેમને ત્યાં શંકાસ્પદ લક્ષણોવાળા કોઈપણ દર્દી આવે તો તરત આરોગ્ય વિભાગને જાણ કરવી.

બહારગામનો પ્રવાસ ખેડવાથી ત્યાંથી ચેપ લાગે છે કે કેમ, રસી ન લીધી હોય એ પરિબળ કામ કરી રહ્યું છે કે કેમ વગેરે બાબતે તંત્ર હજુ ગડમથલમાં છે પરંતુ સદનસીબે કોઈ દર્દીની હાલત કથળી નથી તેને લઈને ચિંતા વધતી અટકી છે. દરમિયાન, જૂનાગઢમાં ગઈકાલે એક વૃધ્ધ બાદ આજે જોષીપરા વિસ્તારનાં એક વૃધ્ધા સંક્રમિત જણાતાં તેમને હોસ્પિટલે દાખલ કરાયાં છે. જૂનાગઢમાં આ સહિત છેલ્લા 3 દિવસમાં 7 કેસ નોંધાયા છે, જે પૈકી 6 દર્દી હોમ આઈસોલેટ છે. જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી નજીકની સોસાયટીમાં 40 વર્ષીય મહિલા રાજકોટથી જામનગર આવ્યા બાદ સંક્રમિત જણાતાં હાલ જામનગર શહેરમાં 11 કેસ નોંધાયેલા છે.

ભાવનગરમાં આજે વધુ ત્રણ કોરોનાના કેસ નોંધાયા છે. ભાવનગરમાં નીલમબાગ વિસ્તારના 31 વર્ષના યુવક, ઘોઘા રોડ વિસ્તારના 55 વર્ષીય આધેડ અને ગાયત્રી નગરના 48 વર્ષના યુવકના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્રણે દર્દીઓને હાલ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં કુલ સાત કોરોનાના કેસ નોંધાયા છે.

કચ્છ જિલ્લામાં પુનઃ કોરોનાએ દસ્તક દીધી હોય તેમ  સતત બીજા દિવસે વધુ ત્રણ લોકોને કોરોના સંક્રમિત કર્યા છે. બે દિવસમાં કચ્છમાં કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ભુજમાં વધુ બે, તો નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોના પોઝીટીવ દર્દીઓને હોમઆઇસોલેટ કર્યા છે.

Back to top button
error: Content is protected !!