GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

મોટા પાયે જળસંચય અભિયાનો ચલાવીને અને કરોડો રૂપિયાનો ખર્ચ સામે વાસ્તવિક પરિસ્થિતિ આ દાવાઓ કરતાં સાવ અલગ અને ડરામણી

દર વર્ષે મોટા પાયે જળસંચય અભિયાનો ચલાવીને અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવાના સરકારી દાવા કરવામાં આવે છે. પરંતુ, વાસ્તવિક પરિસ્થિતિ આ દાવાઓ કરતાં સાવ અલગ અને ડરામણી છે. એક તરફ પાણી બચાવવાના નામે કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે, તો બીજી તરફ જમીનની અંદરના પાણીનું સ્તર દિવસેને દિવસે ખૂબ જ ઊંડું જઈ રહ્યું છે. ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જમીનમાંથી સૌથી વધુ પ્રમાણમાં પાણી ખેંચવામાં આવી રહ્યું છે, જ્યારે તેની સરખામણીએ ડાંગ, પંચમહાલ અને ભરૂચ જિલ્લામાં ભૂગર્ભ જળનો વપરાશ ઘણો ઓછો છે.

ગુજરાતમાં ભૂગર્ભ જળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે. સરકારી જાહેરાતો છતાં, જમીનમાં પાણી રિસાયકલ કે રિચાર્જ કરવા કરતાં પાણી ખેંચવાનું પ્રમાણ ઘણું વધારે છે. ચોમાસા દરમિયાન જેટલું પાણી જમીનમાં ઉતરે છે, તેના કરતાં બમણું પાણી બોરવેલ અને કૂવાઓ દ્વારા ખેંચી લેવામાં આવે છે. ભૂગર્ભ જળના આ આડેધડ અને બેફામ વપરાશના કારણે કુદરતી જળ સ્રોતો સુકાઈ રહ્યા છે.

સરકારી આંકડા પ્રમાણે, રાજ્યમાં સૌથી ચિંતાજનક સ્થિતિ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની છે. ખાસ કરીને મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ખેંચવાનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. આ જિલ્લાઓમાં ખેતી અને ઉદ્યોગો માટે હજારો ફૂટ ઊંડા બોર કરીને પાણી ખેંચવામાં આવી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારો ઝડપથી પાણી વગરના સૂકા વિસ્તાર તરફ ધકેલાઈ રહ્યા છે.

પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ગુજરાતમાં લોકોએ પાણી માટે વલખા મારવા પડશે. ભૂગર્ભ જળ ખલાસ થવાના કારણે માત્ર પીવાના શુદ્ધ પાણીની જ નહીં, પરંતુ ખેતી માટેના સિંચાઈના પાણીની સમસ્યા પણ અત્યંત ઘેરી બનશે. આ સ્થિતિ ગ્રામીણ અર્થતંત્રને વેરવિખેર કરી શકે છે.

સરકારે જળસંચયના અભિયાનોને ઉત્સવ તરીકે ઉજવવાને બદલે ભૂગર્ભ જળના આડેધડ વપરાશ પર કાયદાકીય રોક લગાવવી પડશે. આ ઉપરાંત પાણી રિચાર્જિંગની સાચી દિશામાં નક્કર કામગીરી કરવી પડશે, નહીં તો ગુજરાત મોટી જળ કટોકટીના આરે આવીને ઊભું રહી જશે.

Back to top button
error: Content is protected !!