GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

કેન્દ્રીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને દેશમાં ચોમાસાની સ્થિતિને લઈને આગાહી કરી

છેલ્લા ત્રણ-ચાર દિવસથી દેશના ઉત્તર ભારત અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારે ગરમીને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે (IMD) આગામી પાંચ દિવસને લઈને દેશમાં ચોમાસાની સ્થિતિને લઈને આગાહી કરી છે. IMD અનુસાર, આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક સ્થળોએ અને આ પછીના 3 દિવસ એટલે કે સોમવારથી બુધવારે દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદી માહોલ ઘણા દિવસોથી યથાવત્ છે, ત્યારે ચાલો જાણીએ ગુજરાત સહિતના દેશના કયા રાજ્યોમાં કેવું રહેશે હવામાન.

હવામાન વિભાગ મુજબ, આગામી 14-15 જૂન દરમિયાન પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવની યથાવત્ રહેશે અને આ પછી વાતાવરણ સામાન્ય થવાની સંભાવના છે. જ્યારે 14 થી 17 જૂન સુધીમાં દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના કોંકણ અને ગોવાના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ચોમાસુ સક્રિય તબક્કામાં રહેવાની શક્યતા છે.

બીજી તરફ, દક્ષિણ દ્વીપકલ્પીય ભારતની વાત કરીએ તો, આગામી 7 દિવસ દરમિયાન કેરળ, માહે, કર્ણાટક અને લક્ષદ્વીપના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં 13 થી 17 જૂન સુધીમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટકના કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વાવાઝોડું, વીજળી અને 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે આગામી 14થી 18 જૂન દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

પશ્ચિમ ભારતની વાત કરીએ તો, 14 થી 15 જૂનમાં એટલે કે આગામી બે દિવસમાં મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના ગાજવીજ અને અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 17 જૂન સુધી મરાઠવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

IMD અમદાવાદ મુજબ, ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના સ્થળોએ, કચ્છના છૂટાછવાયા સ્થળોએ અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરંબદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

રાજ્યમાં 15 જૂનના રોજ કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ અને આ સિવાયના રાજ્યના 32 જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

 

Back to top button
error: Content is protected !!