RTE (રાઇટ ટુ એજ્યુકેશન)ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં બાળકોની ફી સરકાર ચૂકવે છે. ત્યારે હવે RTE હેઠળ ફોર્મ ભરવા માટેની મુદતમાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની મુદ્દતમાં હજુ 10 દિવસનો સમય વધારવામાં આવી શકે છે.
શૈક્ષણિક વર્ષ 2025-26માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025ના રાતના 12 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. જોકે, વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઈટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા 16 માર્ચ 2025ની રાતના 12.00 વાગ્યા સુધી વધારવામાં આવી છે. જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, ‘RTEમાં આવકની વિસંગતતા હતી. અન્ય બધી બાબતમાં 6 લાખની આવક મર્યાદા આપી રહ્યા છીએ. આવકના સુધારા માટે થોડો સમય આપીએ જેથી વધારાની આવકવાળા પણ તેનો લાભ લઈ શકે. અંદાજે 10 દિવસનો વધારાનો સમય આપવાની વિચારણા છે. ઘણા લોકોએ આવકના દાખલા કઢાવી લીધા છે. જે લોકોની વધુ આવક છે તેઓને પણ ફોર્મ ભરવાનો ચાન્સ મળે તે માટે સમય વધારવાની પણ વિચારણા છે. 6 લાખની આવક કરવાની વિચારણા છે. 99 ટકા નિર્ણય કરીશું.’