GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

હવામાન વિભાગ દ્વારા ઉનાળાને લઈને ગુજરાતમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી

ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ જેવા શહેરોમાં તો બપોરે બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં હવે ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બનવાનો છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમ જ ગુજરાતમાં હિટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ કચ્છ અને રાજકોટમાં હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ તેમજ ભેજયુક્ત રહેવાની શક્યતા છે. બે દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રોજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ રહેશે. આ વિસ્તારમાં 12 માર્ચ સુધી હિટવેવની અસર જોવા મળી શકે છે.

નોંધનીય છે કે, શુક્રવાર (7 માર્ચ)થી ફરી પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમ થઈ છે. જેના કારણે ઠંડા પવનનું જોર ઘટ્યું છે. એન્ટિસાઇકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાશે. સામાન્ય રીતે શહેરમાં માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. પરંતુ, માર્ચના પહેલાં અઠવાડિયામાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તેમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. માર્ચમાં શહેરનું લઘુતમ તાપમાન જે 19 ડિગ્રીની આસપાસ રહેતું તેમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાવરણ સૂકું રહેશે. હિટવેવ વોર્નિંગની વાત કરીએ તો આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ છે. આ સિવાય અમરેલી અને ભાવનગરમાં પણ હિટવેવની અસર જોવા મળશે. શનિ-રવિવારથી જ અમદાવાદનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી વધુ રહી શકે છે.

Back to top button
error: Content is protected !!