પોલીસ ના કામકાજ પર નવું ભારણ ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ માટે 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે
વડોદરામાં શાળા તરફથી પ્રવાસ લઈ ગયેલાં અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યાં હતાં. ત્યાબાદ ગુજરાત સરકારે તમામ સ્કૂલો માટે પ્રવાસની નવી ગાઇડ લાઇન જાહેર કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસને લઇને મોટો નિર્ણય કર્યો છે. હવેથી સ્કૂલ પ્રવાસ દરમિયાન યુનિફોર્મમાં સજ્જ બે પોલીસ કર્મી સાથે રાખવા પડશે. એટલું જ નહીં, પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હશે, તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડશે.
વડાપ્રધાન મોદીએ DGP-IGP કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરાશે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પાઠવાયો છે. આ પત્રમાં અન્વયે રાજ્યની તમામ (સરકારી/અર્ધ સરકારી/ખાનગી) સ્કૂલના આચાર્યોને પણ સૂચના આપવામાં આવી છે.
જેમાં ઉલ્લેખ કર્યો છે કે હવે વિદ્યાર્થીઓ માટે આયોજિત થતી પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી 02 પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવાનું કહેવાયું છે. આ સિવાય સ્કૂલના આચાર્યે પણ ઉપરોક્ત કામગીરી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે. જો પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાતમાં વિદ્યાર્થિનીઓ હશે તો મહિલા પોલીસકર્મી પણ સાથે રાખવા પડશે.