
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ઘરબેઠાં મેળવો મફત આરોગ્ય સેવા : ગુજરાત સરકારની ‘ઈ-સંજીવની’ ટેલિ-મેડિસિન (ડીઝીટલ) સેવાનો લાભ વિનામૂલ્યે મેળવો
મુંદરા, તા. ૧ ઓગસ્ટ ૨૦૨૬:
ચોમાસા દરમિયાન તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા કે અન્ય મોસમી રોગોના લક્ષણો દેખાય ત્યારે સહેજ પણ બેદરકારી રાખ્યા વગર સમયસર ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી હોય છે. આજના આધુનિક યુગમાં ડિજિટલ તપાસ અને હોમ હેલ્થકેરનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની “ઈ-સંજીવની સેવા” નાગરિકોને ઘર બેઠા જ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સલાહ અને ઈ-પ્રિસ્ક્રિપ્શન (દવાની ચિઠ્ઠી) મેળવવાની સુવિધા આપે છે.
🌟 ઈ-સંજીવની સેવા શું છે?
ઈ-સંજીવની એ ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક ફ્રી ટેલિ-મેડિસિન સેવા (ડીઝીટલ સર્વિસ) છે. આ સેવાનો મુખ્ય હેતુ નાગરિકોને જરૂર વગર હોસ્પિટલ જવાની જંજટ માંથી મુક્તિ અપાવી ઘર બેઠા જ નિષ્ણાંત ડોક્ટર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંપર્ક કરાવી આપવાનો છે.
🔹 ઈ-સંજીવનીના મુખ્ય બે પ્રકાર:
1. સીધી વાત, તુરંત સારવાર : સામાન્ય નાગરિકો પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા સીધા જ ડોક્ટર સાથે વાત કરી તુરંત સારવાર મેળવી શકે છે.
2. નિષ્ણાંત ડોક્ટરની સલાહ : ગ્રામીણ/શહેરી વિસ્તારના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) પરથી દર્દીઓ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની મદદથી સીધા મોટા શહેરોના નિષ્ણાંત ડોક્ટરની સલાહ લઈ આપવામાં આવે છે.
💡 ચોમાસામાં ઈ-સંજીવની સેવા કેમ ઉપયોગી છે?
* ઝડપી તબીબી સલાહ: તાવ, ઉધરસ, ઉલટી કે શરીરના દુખાવા જેવા પ્રારંભિક લક્ષણો સમયે હોસ્પિટલ દોડ્યા વગર તુરંત ડોક્ટરનો સંપર્ક કરી શકાય છે.
* ચેપનું જોખમ ઘટે છે: હોસ્પિટલમાં જવાથી થતા અન્ય સંક્રમણ (ચેપ)થી પણ બચી શકાય છે.
* સમય અને પૈસાની બચત: બસ કે વાહનના ભાડાં અને હોસ્પિટલમાં લાઈનમાં ઉભા રહેવાના સમય અને પૈસાની પણ બચત થાય છે.
* નો ફિઝિકલ, ઓનલી ડિજિટલ : ડોક્ટર દ્વારા આપવામાં આવતું ઈ-પ્રિસ્ક્રિપ્શન સીધું જ મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય છે જે કોઈપણ મેડિકલ સ્ટોર પર માન્ય ગણાય છે. (નિયમાનુસાર હવે મેડિકલ સ્ટોર વાળા માન્યતા પ્રાપ્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન (દવાની ચિઠ્ઠી) વગર દવા આપી શકતા નથી.)
📲 ઈ-સંજીવની નો ઉપયોગ કેવી રીતે કરવો?
ઈ-સંજીવની સેવાનો લાભ લેવો ખૂબ જ સરળ છે:
1. એપ ડાઉનલોડ કરો: ગૂગલ પ્લે સ્ટોર પરથી “ઈ સંજીવની” એપ ડાઉનલોડ કરો.
2. રજિસ્ટ્રેશન: તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા લોગિન કરો.
3. ટોકન મેળવો: રોગની વિગતો અને લક્ષણો દાખલ કરી ડોક્ટરી સલાહ (કન્સલ્ટેશન) માટે ટોકન જનરેટ કરો.
4. ડોક્ટર સાથે વીડિયો કોલ: તમારો નંબર આવતાં જ ડોક્ટર સાથે વીડિયો કોલથી જોડાય જશો અને તમારી તકલીફ જણાવી શકશો.
5. પ્રિસ્ક્રિપ્શન મેળવો: પરામર્શ (કન્સલ્ટેશન) પૂરું થયા બાદ ડૉક્ટરનું ઈ-પ્રિસ્ક્રિપ્શન (દવાની ચિઠ્ઠી) પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી લો.
6. વિનામૂલ્ય દવા મેળવો : આ પ્રિસ્ક્રિપ્શનના આધારે કોઈ પણ નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી વિનામૂલ્યે દવા મેળવી શકાય છે.
7. રાહતદરે દવા મેળવો : ભારત સરકારની ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ હેઠળ દેશભરમાં ચાલતા કોઈ પણ ‘જન ઔષધિ કેન્દ્ર’ પરથી વ્યાજબી અને રાહતભાવે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ (જે બ્રાન્ડેડ દવાઓ કરતાં 50% થી 90% સુધી ઓછી કિંમતે) મેળવી શકાય છે. આ ઉપરાંત આ માન્ય પ્રિસ્ક્રિપ્શનના આધારે કોઈ પણ નજીકની દવાની દુકાન (મેડિકલ સ્ટોર) પરથી દવા ખરીદી શકાય છે.
📞 હેલ્પલાઇન અને ટોલ-ફ્રી નંબર:
આરોગ્ય સંબંધિત કોઈ પણ ઈમરજન્સી કે માર્ગદર્શન માટે ગુજરાત સરકારની નીચે મુજબની સેવાઓનો સંપર્ક કરી શકાય છે:
* આરોગ્ય હેલ્પલાઇન (૧૦૪): તાવ, ડેન્ગ્યુ કે અન્ય રોગો વિશે સલાહ અને સારવાર ઘર બેઠા મેળવવા માટે તથા આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવવા કે મૂંઝવતા પ્રશ્નોની રજુઆત કરવા ૧૦૪ નંબર પર કોલ કરી શકાય છે.
* ઇમરજન્સી સેવા (૧૦૮): ગંભીર લક્ષણો જણાય કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની જરૂર પડે ત્યારે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ હોય છે જેનો કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે.
અગત્યની સલાહ: ચોમાસાની ઋતુમાં તાવ કે વાયરલ સંક્રમણને સામાન્ય ગણીને જાતે દવાઓ લેવાનું ટાળવું જોઈએ. રોગના લક્ષણોની શરૂઆત થાય કે તરત જ ઈ-સંજીવની અથવા નજીકના આરોગ્ય મંદિરનો સંપર્ક કરી યોગ્ય નિદાન અને સારવાર મેળવવી જોઈએ આ માટે મુંદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર (ગધાસર-શાસ્ત્રી મેદાન સામે)ના હેલ્પલાઇન નંબર ૭૫૬૭૮૭૬૧૯૨ અથવા તાલુકા હેલ્થ ઓફિસના હેલ્પલાઇન નંબર ૦૨૮૩૮-૨૨૨૧૮૦ પર સંપર્ક કરવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. મેહુલ બલદાણીયાએ એક યાદીમાં જણાવ્યું છે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




