બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા હેઠળ બનાસકાંઠાને ચાર નવી મીની બસોની ભેટ

27 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી ક્ષેત્રોમાં શિક્ષણને વેગ: મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ પાલનપુર ડેપોથી ૩ નવી મીની બસોને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન.આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓના સપનાઓને નવી ઉડાન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ*મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી જનજાતિય ગૌરવ પરિવહન સેવા’: અંતરિયાળ વિસ્તારના બાળકો માટે પરિવહન સરળ બનતા શિક્ષણનો માર્ગ સુગમ.ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત બસ ડેપો, પાલનપુર ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પરિવહનની વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ત્રણ નવી મીની બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી. આ બસો શરૂ થતાં દાંતા, અંબાજી અને અમીરગઢ તાલુકાના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી સુરક્ષિત અને સરળ આવન-જાવનની સુવિધા મળશે, તેમજ શૈક્ષણિક સમય બાદ સામાન્ય નાગરિકો પણ આ બસ સેવાનો લાભ લઈ શકશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારોમાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી સુરક્ષિત, સરળ અને સમયસર પરિવહનની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે તબક્કાવાર બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ એક બસ કાર્યરત કરવામાં આવી હતી અને હવે વધુ ત્રણ નવી મીની બસો શરૂ થતાં જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ સગવડ મળશે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દાંતા, અમીરગઢ અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓના સપનાઓને નવી ઉડાન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પરિવહનની અછત કોઈપણ વિદ્યાર્થીના શિક્ષણમાં અવરોધ ન બને તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ વિશેષ મીની બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરીને રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, જિલ્લાના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શરૂ કરાયેલી ‘બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ હેઠળ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી સરળ અને સુરક્ષિત પરિવહન ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રૂ. ૭૧ કરોડના ખર્ચે કુલ ૨૫૦ બસોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી ૧૧૧ જીપીએસ સજ્જ મોટી બસોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. હાલમાં રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧૦૦ રૂટ પર આ બસો કાર્યરત છે અને અંદાજે ૫,૭૦૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને અગાઉ એક મોટી બસ ફાળવવામાં આવી હતી.રૂ. ૩૩.૮૪ કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી ૧૩૯ મીની બસોનું લોકાર્પણ તા. ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમાંથી બનાસકાંઠા જિલ્લાને ચાર મીની બસો ફાળવવામાં આવી છે, જે કુવારશી (દાંતા)-જગતાપુરા, દાંતા-જગતાપુરા, અંબાજી-હડાદ-સનાલી તથા ખારા-અમીરગઢ જેવા રૂટ પર કાર્યરત રહેશે. આ બસો દ્વારા અંતરિયાળ ગામોના ૨૯૫થી વધુ વિદ્યાર્થીઓને દૈનિક આવન-જાવનની સુવિધા મળશે. શાળા-કોલેજના સમય બાદ આ બસોનો લાભ સામાન્ય નાગરિકો પણ લઈ શકશે, જેના પરિણામે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ સુલભ અને સુદૃઢ બનશે.









