રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરાની સાત શાળાઓને લેપટોપ અને ડેસ્કટોપની ભેટ
મુંદરા,તા. 13 : તાજેતરમાં મુંદરાની શ્રી દુલેરાય કારાણી પ્રાથમિક શાળા ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઓલ કાર્ગો ટર્મિનલ્સ લિમિટેડ તથા સ્પીડી મલ્ટીમોડ્સ લિમિટેડના સહયોગથી મુંદરાની શ્રી દુલેરાય કારાણી, લાલજી સુમાર, સુખપરવાસ, મહેશનગર, વડાલાની કન્યા શાળા, ઝરપરા કન્યાશાળા અને પ્રતાપપરની પ્રાથમિક શાળા એમ તાલુકાની કુલ સાત પ્રાથમિક શાળાઓમાં 9 લેપટોપ અને 24 ડેસ્કટોપ કમ્પ્યુટરોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી અને મનુષ્ય ગૌરવ ગીતથી સમગ્ર વાતાવરણ પ્રેરણાદાયી બન્યું. આ પ્રસંગે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિરમભાઈ ગઢવી, મુંદરા-બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રવિભાઈ સોલંકી, તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી સહદેવસિંહ જાડેજા તથા સુલેમાન લંગા સહિત તાલુકાના શિક્ષક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કંપનીના અધિકારીઓ ભાવેશભાઈ પટેલ અને હર્ષિતભાઈ પારેખે કાર્યક્રમમાં હાજરી આપીને ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે સતત સહયોગ આપવાની ખાતરી આપી હતી. શાળાના આચાર્યો અને શિક્ષક સમાજ દ્વારા કંપનીના અધિકારીઓનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. વિરમભાઈ ગઢવીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને અભ્યાસમાં નવી ઊંચાઈ હાંસલ કરવાની પ્રેરણા આપી હતી. રચનાબેન જોશીએ આવા લોકહિતના પ્રયત્નોને બિરદાવ્યા હતા અને વધુ કંપનીઓએ પણ આ પ્રકારના કાર્યમાં જોડાવું જોઈએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આજે જ્યારે શિક્ષણ માત્ર પુસ્તકો સુધી મર્યાદિત નથી ત્યારે આવા આધુનિક સાધનો વિદ્યાર્થીઓને નવી દુનિયા સાથે જોડશે, તેમને માહિતી અને ટેક્નોલોજી ક્ષેત્રે સશક્ત બનાવશે અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક યુગ માટે તૈયાર કરશે.
કાર્યક્રમનું સંચાલન વડાલા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ પરમારે કર્યું હતું. અંતે સમગ્ર શિક્ષક સમાજ અને તાલુકાની સાત શાળાઓ તરફથી ઓલ કાર્ગો ટર્મિનલ્સ લિમિટેડ અને સ્પીડી મલ્ટીમોડ્સ લિમિટેડનો હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીના ઝળહળતા સ્મિતો જોવા મળ્યા હતા અને જાણે ભવિષ્ય તરફની નવી સફર શરૂ થઈ ગઈ હોય તેવી લાગણી સૌએ અનુભવી હતી.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)