GIR SOMNATHPATAN VERAVAL

ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક, કલેક્ટરે નાગરિકલક્ષી પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા અધિકારીઓને સૂચના આપી

સોમનાથ જિલ્લાનાં ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક સંકલન સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ બેઠક દરમિયાન સૂત્રાપાડા અને માઢવાડ ખાતે બાંધવામાં આવતી જેટી, હિરણ-૨ ડેમ વિસ્તાર અને ત્રિવેણી સંગમ વચ્ચે નદીની સફાઈ અને ઊંડાણ વધારવાનું કામ, ટિંબળી ગામના ખેડૂતોને ઓછા વળતરની વિવાદાસ્પદ ભૂમિ સંપાદન બાબત, તેમજ તાલાલા-સૂત્રાપાડાના વીજ વિભાગના મુદ્દાઓ જેવા મહત્વના નાગરિકલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.

કલેક્ટરે દરેક મુદ્દા ઉપર અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી તાત્કાલિક ઉકેલ લાવવા, તેમજ પ્રશ્નોની પ્રાથમિકતા મુજબ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો. કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું કે, જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય અને સમયસર જવાબ આપવામાં આવે, જેથી નાગરિકોની પડતર સમસ્યાઓનો ઝડપી ઉકેલ થઈ શકે.

બેઠક દરમિયાન મિશન લાઈફ એક્ટિવિટી હેઠળ જળસંગ્રહ, વિજળી બચાવવી, ઇ-વેસ્ટનો યોગ્ય નિકાલ, સૂકો અને ભીનો કચરો અલગ પાડવો જેવી પર્યાવરણીય કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જળ ભાગીદારી યોજનાના માધ્યમથી ખેડૂતોને જળસંપત્તિનું મહત્ત્વ સમજાવવામાં આવે તે માટેના અભિગમ અપનાવવાનો પણ કલેક્ટરે સહજ સંકેત આપ્યો.

આ બેઠકમાં ઉપસ્થિત મહત્વના અધિકારીઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, તેમજ આરોગ્ય, ખેતીવાડી, શિક્ષણ, ફિશરીઝ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ત્વરિત અમલ – ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને મળશે રાહત

અહેવાલ : દાનસિંહ વાજા, વેરાવળ-સોમનાથ

 

Back to top button
error: Content is protected !!