માહિતી અને પ્રસારણ વિભાગ ગુજરાતની વિકાસગાથાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી રહ્યો છે
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: માહિતી અને પ્રસારણ વિભાગ રાજ્યના નાગરિકો સુધી સરકારની યોજનાઓ અને મહત્વપૂર્ણ નિર્ણયો પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. રાજ્ય વિધાનસભામાં આ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ અંગે ચર્ચા દરમિયાન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે સ્થાપિત થયું છે અને તેના પ્રચાર-પ્રસાર માટે આધુનિક માધ્યમોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
પ્રજાસંપર્કથી પ્રગતિ સુધી, જાણકારીથી જનકલ્યાણ સુધી
મંત્રીએ કહ્યું કે આધુનિક યુગમાં પ્રચાર અને માહિતી માધ્યમોની ગતિ અને પ્રભાવ વધ્યો છે. તેને અનુરૂપ માહિતી અને પ્રસારણ વિભાગે પોતાની કાર્યશૈલી બદલવી છે. 5G અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માહિતી વહેંચવાનો ઝડપી અને અસરકારક દ્રષ્ટિકોણ અપનાવાયો છે. સરકારની દરેક યોજના અંતરિયાળ ગામ સુધી પહોંચે તે માટે નવનવતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
‘મારી યોજના પોર્ટલ’થી જનકલ્યાણની નવી શરૂઆત
માહિતી વિભાગ દ્વારા લોંચ કરાયેલ ‘મારી યોજના પોર્ટલ’ રાજ્ય અને કેન્દ્રની ૬૮૦થી વધુ યોજનાઓની માહિતી એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવે છે. આ પ્રયાસ દ્વારા નાગરિકોને તેમની હિતલક્ષી યોજનાઓ અંગે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે.
ટેબ્લોની હેટ્રિકથી ગુજરાતનું ગૌરવ વધ્યું
દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ યોજાયેલી પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજ્યના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષ ‘પીપલ્સ ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ વર્ષે “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” વિષય પર આધારિત ટેબ્લોએ વિજેતા બની હેટ્રિક નોંધાવી.
પ્રચાર-પ્રસારના નવનવા પ્રયાસો
મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના ૨૧ વિભાગોમાં પી.આર. કમ સોશિયલ મીડિયા યુનિટ અને દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ સ્થાપવા ઉપરાંત ૭૪ કચેરીઓમાં ડિજિટલ ડિસ્પ્લે ગોઠવવામાં આવશે. આ પ્રયાસો જનહિતલક્ષી યોજનાઓની જાણકારી લોકોને સરળતાથી પ્રાપ્ય કરાવશે.
મંત્રીએ ઉમેર્યું કે વિભાગ દ્વારા “ફીટ મીડિયા, ફીટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત 1,500 થી વધુ પત્રકારોના નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ યોજાયા છે. ગુજરાતના વિકાસની વાર્તા ‘ગુજરાત’ પાક્ષિક અને ‘ધ ગુજરાત’ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવે છે, જ્યારે ગુજરાતી ફિલ્મો અને દસ્તાવેજી ચિત્રોને પ્રોત્સાહન માટે પારિતોષિકો આપવામાં આવે છે.
વિધાનસભામાં માહિતી અને પ્રસારણ વિભાગ માટે રૂ. ૨૩૨.૯૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.