GUJARATKUTCHMANDAVI

૧૫ જાન્યુઆરીના તલગાજરડા ખાતે પૂ. મોરારિ બાપુના હસ્તે રાજ્યના ૩૪ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરાશે.

કચ્છ જિલ્લામાંથી ભુજની નવનીત નગર પ્રા.શાળાના શિક્ષિકા કૃપાબેન નાકરની પસંદગી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ

ભુજ તા. ૦૭ જાન્યુઆરી : રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તારીખ ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ ને બુધવારે સવારે ૮:૩૦ કલાકે પૂ .બાપુ દ્વારા તેમના વતન તલગાજરડા ખાતે એનાયત થશે. સને ૨૦૦૦ ની સાલથી પ્રારંભાયેલા આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રતિવર્ષ અર્પણ થાય છે.

આ દિવસે તલગાજરડા (તાલુકો મહુવા) ની કેન્દ્રવર્તી શાળા – ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને ૩૪ પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોની મોરારીબાપુ દ્વારા આ એવોર્ડ આપીને વંદના કરવામાં આવશે. દર વર્ષે ગુજરાતના દરેક જિલ્લા (૩૩ જિલ્લા) માંથી એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ અપાય છે.જેમાં પ્રતિવર્ષની જેમ ૩૩ શિક્ષકો ઉપરાંત આ વખતે ૧ મહાનગરપાલિકાના શિક્ષક મળી મળીને કુલ ૩૪ એવોર્ડ ફાળવવાની ઘોષણા કરવામાં આવી છે.

રાજ્યભરના બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે. દરેક જિલ્લાઓમાંથી આવેલ શ્રેષ્ઠ શિક્ષકોની ફાઈલમાંથી રાજ્યની પસંદગી સમિતિ દ્વારા મહોર મારવામાં આવે છે. ચિત્રકૂટ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને મોરારીબાપુ દ્વારા પ્રત્યેકને ૨૫૦૦૦ રૂપિયા નો ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ સાથે પૂ. સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાંથી ભુજની નવનીત નગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રીમતી કૃપાબેન રસિકલાલ નાકરની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. તેઓ નોકરીના છેલ્લા ૨૭ વર્ષ દરમ્યાન અગાઉ સી.આર.સી. કોઓર્ડીનેટર અને ગ્રુપ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવી હાલ શિક્ષિકા તરીકે નવનીત નગર પ્રા. શાળામાં કાર્યરત છે. સાત વર્ષથી કચ્છ જિલ્લાની અંતરિયાળ વિસ્તારની દીકરીઓ અને જરૂરિયાતમંદ બાળકો માટે દાતાઓના સહયોગથી તેઓ સ્ટેશનરી અને જરૂરી વસ્તુઓ પહોંચાડે છે. જી.આઈ. ઇ. ટી.અમદાવાદ દ્વારા બાળફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ, તાલુકા તથા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ માતૃભાષા શિક્ષક એવોર્ડ , અચલા એજ્યુકેશન દ્વારા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ઇનોવેટર ટીચર એવોર્ડ , કલા ગુરુ એવોર્ડ, ગુરુ ગૌરવ એવોર્ડ , બ્રહ્મ ગૌરવ એવોર્ડ, જેવા અનેક એવોર્ડ તેમને મળી ચૂકેલ છે. આ સાથે તેમના પાંચ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમાંથી ‘બાલુડે જી બોલી ‘બાળવાર્તા પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક પણ મળેલ છે. કચ્છ જિલ્લાના બિન કચ્છી શિક્ષકોને ૨૨વર્ષથી તેઓ તાલીમ આપે છે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ તજજ્ઞ અને નિર્ણાયક તરીકે પણ સેવા આપે છે.તેમની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થતાં તેમને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા મહામંત્રી કેરણાભાઈ આહિર, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, ભુજ તાલુકા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મંત્રી મેહુલ જોષી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા છે. પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે,એને અને તેને સાર્વત્રિક એવમ ઘનિષ્ઠ બનાવવાના પ્રયાસોમાં પોતાના ફાળે આવેલી કર્તવ્ય પાલનતામાં નિસ્વાર્થ સિંહ ફાળો અને યોગદાન આપનાર પ્રાથમિક શિક્ષકો સાચા શિલ્પીઓ છે ત્યારે મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ નિષ્ઠાવાન-ચારિત્રવાન પ્રાથમિક શિક્ષકો ને એનાયત થતો આ એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે.

Back to top button
error: Content is protected !!