ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે બોરુ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

તારીખ ૨૮/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ સહિત સમગ્ર રાજ્યમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે કાલોલ તાલુકાના બોરુ ખાતે જિલ્લા પંચાયત સભ્ય હીરાબેને ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને કીરીટભાઇ રાઠોડ,શકીલભાઇ બેલીમ, હિતેશભાઈ પારેખ શાળામાં ઉલ્લાસભેર પ્રવેશ અપાવવા સહભાગી થયા હતા. આ પ્રસંગે સંજયભાઇ રાઠોડ એ જણાવ્યું હતું કે, ૨૧ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવેલ અને ત્યારથી સરકાર કન્યા કેળવણી પર વધુ ભાર મૂક્યો છે. સમાજનો વિકાસ ત્યારેજ થાય છે જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખભે ખભા મિલાવે અને ભારતને ૨૦૪૭ માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓની ભૂમિકા અગત્યની છે. આજે આ શાળામાં કુમાર કરતાં કુમારીઓની સંખ્યા વધુ જોઈ મને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. ગામનો એક પણ બાળક શિક્ષણ વગર વંચિત ન રહી જાય તે માટે સરકાર હમેશા પ્રયત્નશીલ રહી છે.શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી અને એસએમસી સભ્યો, શિક્ષક પરિવાર દ્વારા સન્માન કરીને જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પ્રવેશોત્સવ બાદ લાયઝન નયનાબેન પટેલએ એસ.એમ.સીની બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમ બાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ ,એસ એમ સી સભ્ય ,શાળાના આચાર્ય,શિક્ષકો,ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.







