વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત નવસારીના અબ્રામા અને દાંડી ગામે પાક પરિસંવાદ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૨: ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા. ૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ અબ્રામા અને દાંડી ગામે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને નોડલ ઓફિસર ડૉ. સુમિત સાળુંખે તાલીમમાં આવેલ ખેડુતોને આવકાર્યા અને વિકસિત કૃષિ સંકલ્પ સફળતાની વાત કરી હતી. બાગાયત વૈજ્ઞાનિક ર્ડા. દિક્ષીતા પ્રજાપતિ દ્વારા કિચન ગાર્ડન અને કેરીમાંથી મુલ્યવર્ધિત બનાવટો વિશે ખેડુતોને માહિતી આપવામાં આવી તથા પાકોની સહાયલક્ષી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. મદદનીશ પ્રાધ્યાપક ડો.પ્રસુલ આર.પટેલે આંબા–ચિકુમાં ચોમાસા પહેલા અને ચોમાસા બાદ વૈજ્ઞાનિક ઢબે આપવામાં આવતી માવજત વિશે સમજ આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ૧૨૦ જેટલા ગામોમાં શિબિરનું આયોજન કરી ખેડુતો સુધી અદ્યતન તાંત્રિકતુ ઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહી અને નવી નવી ટેકનોલોજી વિશે વૈજ્ઞાનિકો દ્વારા જાણકારી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી, બાગાયત, પશુપાલન, ઈફકો વગેરે સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહી ખેડુતોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડી હતી.



