ગુજરાતના પેન્શનરો માટે ખુશખબર: હવે પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર મળશે મફતમાં
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – ગુજરાત સરકારના પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. હવે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટે બેંક કે ટ્રેઝરી કચેરી સુધી જવાની ઝંઝટમાંથી મુક્તિ મળી રહી છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલી સમજૂતીને અનુસરીને રાજ્યના પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવાની મફત સેવા શરૂ કરવામાં આવી છે.
આ સેવા નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસિત ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશનના માધ્યમથી ઉપલબ્ધ કરાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપરાંત પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા આ સેવા 31 જુલાઈ, 2025 સુધી મફતમાં આપવામાં આવશે. પેન્શનર પોતાનું આધાર નંબર, મોબાઇલ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર આપીને આ સેવા મેળવી શકે છે.
ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડિજિટલ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનના આધારે પેન્શનર થોડા જ મિનિટોમાં પોતાનું જીવન પ્રમાણપત્ર ઘેરબેઠા મેળવી શકે છે, જેની નકલ સીધા પેન્શન વિભાગ સુધી પણ મોકલવામાં આવશે. આ પહેલ ખાસ કરીને એવા પેન્શનરો માટે ખૂબ લાભદાયી છે, જે દુરદराज વિસ્તાર કે અન્ય રાજ્યોમાં વસવાટ કરે છે.
આ પગલાથી લગભગ 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે અને ડિજિટલ સિસ્ટમ થકી ઝડપી અને સરળ સેવા મળશે. સાથે સાથે, પેન્શનરો હવે AEPS (Aadhaar Enabled Payment System) નો ઉપયોગ કરીને પોસ્ટમેન મારફતે પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ પણ ઉપાડી શકે છે.
પોસ્ટ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી આ પહેલ પેન્શનરોની સુવિધામાં મોટો વધારો લાવશે અને ડિજિટલ ગવર્નન્સ તરફ એક મજબૂત પગથિયો સાબિત થશે.