
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા.9 જાન્યુઆરી : કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ અંતર્ગત અપાતા આયુષ્માન કાર્ડ હવે ગરીબો માટે આશીર્વાદને બદલે માથાનો દુખાવો બની રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તાજેતરમાં કચ્છના મુંદરા તાલુકાના મોટી ખાખર ગામના એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા તાત્કાલિક બાયપાસ ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ હતી. પરંતુ જ્યારે જીવન-મરણનો સવાલ હતો ત્યારે આયુષ્માન કાર્ડના ‘ડિજિટલ દરવાજા’ બંધ જોવા મળ્યા. ૧૦૦% વિગતો મેચ થવા છતાં અને ઈ કેવાયસી સફળ થયા પછી પણ કાર્ડ ‘પેન્ડિંગ’માં જતું રહ્યું. આશ્ચર્યની વાત એ છે કે જે ગરીબ દર્દીને ડોકટરે ૨ દિવસનો સમય આપ્યો છે તેને તંત્ર ૭ દિવસ રાહ જોવાનું કહી રહ્યું છે!
સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્પલાઇન પરથી મળતી માહિતી મુજબ હવે આયુષ્માન કાર્ડનું એપ્રુવલ સ્થાનિક કે રાજ્ય કક્ષાએથી નહીં પરંતુ છેક દિલ્હીથી ‘નેશનલ હેલ્થ ઓથોરિટી’ દ્વારા કરવામાં આવે છે. આ આશ્ચર્યજનક નિર્ણય પર સવાલ એ થાય છે કે શું કેન્દ્ર સરકારને રાજ્ય કે જિલ્લા કક્ષાના અધિકારીઓ પર ભરોસો નથી? જો દરરોજ હજારો કાર્ડ બનતા હોય તો દિલ્હી બેઠેલા અધિકારીઓ કઈ રીતે તાત્કાલિક ઇમરજન્સી કેસ ઓળખી શકશે? ઇમરજન્સીમાં પણ જો ૭ દિવસની રાહ જોવી પડે તો શું તંત્ર દર્દીના મૃત્યુની રાહ જોઈ રહ્યું છે?
જ્યારે જિલ્લા આયુષ્માન પ્રોગ્રામ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહોતી. હેલ્પલાઇન પરથી માત્ર ‘ફરિયાદ નોંધીશું’ તેવા રુટિન જવાબો મળે છે. સવાલ એ છે કે જો સારવારના અભાવે કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની? શું ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં એક ઇમરજન્સી એપ્રુવલની સિસ્ટમ પણ આપણે બનાવી શક્યા નથી?
લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને મફત સારવાર મળે તે હેતુથી આ યોજના શરૂ કરી છે પરંતુ વહીવટી જડતા આ હેતુને મારી રહી છે. લોકોની માંગ છે કે:ઇમરજન્સી એપ્રુવલ: મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં સ્થાનિક/જિલ્લા કક્ષાએ ૨ કલાકમાં કાર્ડ એપ્રુવ કરવાની સત્તા આપવી જોઈએ.
અગાઉથી નોંધણી: તમામ પાત્રતા ધરાવતા લોકોના કાર્ડ અગાઉથી જ બનાવી આપવા માટે ગામેગામ ઝુંબેશ ચલાવવી જોઈએ.જવાબદારી નક્કી કરો: જે અધિકારીઓ ફોન નથી ઉપાડતા કે જવાબ નથી આપતા, તેમની સામે કડક પગલાં લેવાવા જોઈએ.જો આ બાબતે ત્વરિત સુધારો કરવામાં નહીં આવે તો ગરીબો માટે ‘આયુષ્માન’ માત્ર કાગળ પરની યોજના બનીને રહી જશે.




