કાલોલના સુરેલીમાં પ્રદૂષણ ફેલાવતી ‘ભારત સિલિકા’ ફેક્ટરીને જીપીસીબી એ કારણદર્શક નોટિસ ફટકારી.૧૫ દિવસમાં ખુલાસો કરવા આદેશ.

તારીખ ૨૩/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગામે કાર્યરત ભારત સિલિકા વર્ક્સ દ્વારા ફેલાવવામાં આવતા હવાના પ્રદૂષણ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોધરાના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. જેમાં પર્યાવરણીય નિયમોનો ભંગ જોવા મળતા કંપનીને ૧૫ દિવસમાં ખુલાસો કરવા માટે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે, ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં રહેતા ફિરદોસ એ. ઢેસલીએ સુરેલી ગામમાં આવેલી આ ફેક્ટરીના પ્રદૂષણ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં લેખિત રજૂઆત કરી હતી. જેના પગલે ગત ૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જીપીસીબીની ટીમે ફેક્ટરી સ્થળ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓને ફેક્ટરીમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી અનેક ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. બોર્ડની તપાસમાં બહાર આવ્યું હતું કે ફેક્ટરીમાં રહેલા ફ્લાય એશ સાઈલો ઉપરથી ખુલ્લા હતા અને તેને યોગ્ય રીતે કવર કરવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત ધૂળની ડમરીઓ ઉડતી અટકાવવા માટે જે કમ્પાઉન્ડ વોલ હોવી જોઈએ તેની ઊંચાઈ પણ પૂરતી ન હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, ફેક્ટરી પરિસરમાં વાહનોની અવરજવરને કારણે અતિશય ઝીણી ધૂળ હવામાં ઉડતી જોવા મળી હતી, જે આસપાસના વાતાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.આ તમામ બેદરકારીઓને ગંભીરતાથી લેતા પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગોધરા દ્વારા એર એક્ટ-૧૯૮૧ની કલમ ૩૧-એ હેઠળ ફેક્ટરીને કારણદર્શક નોટિસ પાઠવીને પૂછવામાં આવ્યું છે કે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. જો આગામી ૧૫ દિવસમાં ભારત સિલિકા વર્ક્સ દ્વારા આ અંગે સંતોષકારક ખુલાસો કરવામાં નહીં આવે અથવા પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ એકમ સામે ક્લોઝર નોટિસ સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.







