GUJARATKUTCHMANDAVI

રાજ્ય મંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષ સ્થાને “રાષ્ટ્રગીત વંદે માતરમ્”ના ૧૫૦ વર્ષની અંજારના દબડા ખાતે ભવ્ય ઉજવણી.

"વંદે માતરમ્ ગીત રાષ્ટ્રભાવના, ગૌરવ, આદર, સન્માનનું પ્રતિક છે : રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

 

અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ ‘સ્વદેશી અભિયાન’ અંતર્ગત શપથ લઈ રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કર્યું.

માંડવી,તા-૦૭ નવેમ્બર : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ્’ ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગરિમામય અવસરે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. અંજારના દબડાની નગર પ્રાથમિક શાળા નં. ૬ ખાતે શ્રી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત રાષ્ટ્રગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષની ઉજવણી સમારોહમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રગીતનું સમૂહ પઠન અને “સ્વદેશી અભિયાન” અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા.આ પ્રસંગે નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારશ્રીઓ અને કર્મયોગીઓને સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે ‘વંદે માતરમ્’ – ૧૫૦ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આપણે ભાગ્યશાળી છીએ કે, આઝાદીના મીઠાફળ ચાખી રહ્યા છીએ. આઝાદીની લડતમાં લડનાર વીરોએ આઝાદી મેળવવા અનેક સંધર્ષ કરીને પોતાનું જીવન ન્યોછાવર કર્યુ છે ત્યારે મહામૂલી આઝાદી પ્રાપ્ત થઇ છે. ત્યારે આપણે કૃતજ્ઞ બનીને ભારતના વિકાસમાં સહયોગ આપવો રહ્યો. તેમણે ઉમેર્યું હતું કે, ‘વંદે માતરમ્’ ગીત આઝાદી પુર્વે દેશને એક તાંતણે બાંધવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેના દરેક શબ્દમાં રાષ્ટ્રભાવના, ગૌરવ, આદર અને મા ભારતી પ્રત્યે સન્માન ઝલકે છે. તેમણે શિક્ષકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રેમ વગર દેશની ઉન્નતિ શક્ય નથી, નૈતિક પ્રગતિ શિક્ષણના માધ્યમથી થાય છે ત્યારે દેશની આવનારી પેઢીમાં રાષ્ટ્રગીતના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ તથા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી શિક્ષકોની છે. તો સશક્ત ભારતનું સપનું સાકાર થશે. વડાપ્રધાનશ્રી વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ચૌધરીએ વંદે માતરમ્ ના સંપૂર્ણ ગીતનું મનન, પઠન અને કંઠસ્થ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીતમાં ભવિષ્યના ભારતની ઝલક જોવા મળે છે. તેમણે દરેક નાગરિકને પોતાની સિમિત ક્ષમતાથી આગળ વધીને રાષ્ટ્ર, રાજ્ય તથા સમાજની પ્રગતિમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. અંજાર નગર પાલિકા પ્રમુખશ્રી વૈભવ કોડરાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.કાર્યક્રમના અંતે ઉપસ્થિતિ અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ રાષ્ટ્રગીતનું સમૂહ પઠન કર્યુ હતું અને સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા.આ કાર્યક્રમમાં મામલતદારશ્રી ભગવતીબેન ચાવડા, અગ્રણીશ્રી વસંતભાઇ કોડરાણી, હિતેનભાઇ વ્યાસ, શિલ્પાબેન બુધ્ધભટ્ટી, પાર્થભાઇ સોરઠીયા, નિલેશગીરી ગોસ્વામી, કલ્પનાબેન ગોર, અશ્વિનભાઇ સોરઠીયા, ક્રિપાલસિંહ રાણા સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!