આણંદ – સીવીએમ યુનિવર્સિટી દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી:

આણંદ – સીવીએમ યુનિવર્સિટી દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી:
તાહિર મેમણ – 01/11/2025 – આણંદ – ચારુતર વિદ્યા મંડળ તથા ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા એકતા દિવસ નિમિત્તે વલ્લભ વિદ્યાનગરમાં ડી-માર્ટ પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન 31 ઓક્ટોબરના રોજ સવારે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર શ્રી પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયા સહિત સમગ્ર સીવીએમ યુનિવર્સિટી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સીવીએમ યુનિવર્સિટી દ્વારા ભારતના લોહપુરુષ અને પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર દેશની અખંડિતતા અને એકતા જાળવવામાં સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચારુતર વિદ્યામંડળ અને યુનિવર્સિટીના પદાધિકારીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, યુનિવર્સિટી હેઠળની તમામ કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, ડીપાર્ટમેન્ટના વડા તથા મોટી સંખ્યામાં અધ્યાપકો અને બિન-શૈક્ષણિક સ્ટાફ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ એકસાથે એકતા અને રાષ્ટ્રભાવનાના શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર (ડૉ.) નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર શ્રી ડૉ. ભાઈલાલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી.
આ ઉજવણીના ભાગરૂપે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘એકતા યાત્રા’નું ચારુતર વિદ્યા મંડળની મુખ્ય ઓફિસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સીવીએમ યુનિવર્સિટીના પદાધિકારીઓએ એકતા યાત્રામાં જોડાયેલા તમામ સહભાગીઓનું અભિવાદન કર્યું હતું અને રાષ્ટ્રીય એકતાના આ સંદેશને આગળ ધપાવવા બદલ તેમની સરાહના કરી હતી.





