GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

તા.૭/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દિવ્ય સમારોહ યોજાયો.

BAPSના વડા મહંત સ્વામી મહારાજે આશિર્વચન પાઠવ્યા – પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાપાલન, પરોપકાર સહિતના ગુણોનો પરિચય કરાવ્યો

‘પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજા સાથે જોડી નરમાં જ નારાયણના દર્શન કરવાના વેદ વાક્યને ચરિતાર્થ કર્યું.’

‘પ્રમુખસ્વામી મહારાજે પોતાના આચરણથી સનાતન ધર્મનો સંદેશ ફેલાવી ધીરે ધીરે ઘટતી જતી ભાગવત શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી.’

સંતોના સાનિધ્યમાં રહેવાથી ‘જે કરે એ હરિ કરે’ એવો ભાવ અને ધર્મનિષ્ઠાના ગુણો આવે છે’

Rajkot: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ભવ્ય અને દિવ્ય સમારોહ યોજાયો હતો.

આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજના ગુણોમાંથી જીવનનો સાર કાઢી શકાય અને જીવનને ઉપયોગી વાતો અપનાવી શકાય એમ છે.

તેમણે ઉમેર્યું કે સાબરમતી નદીના કિનારે પણ પ્રમુખ સ્વામીના જીવનના ૭૫ ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરાયા છે, જે લોકોને જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ કરે છે.

પ્રમુખસ્વામી મહારાજના જીવન અને યોગદાનની દ્રષ્ટિએ જોઈએ તો, તેમણે એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શનને વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતાં પણ વધુ મોટું કાર્ય તેને વ્યવહારુ બનાવવાનું કર્યું. તેમણે ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડીને, ‘નરમાં જ નારાયણના દર્શન કરવાના’ આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું છે.

શ્રી શાહે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજે કરુણાના માધ્યમથી બીજા જીવનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રસારીને ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય, પરંતુ સમગ્ર સનાતન ધર્મ માટે બહુ મોટું કામ કર્યું છે. સનાતન ધર્મના અનેક સંપ્રદાયોમાં સંતનું તત્વ સંચિત કરવાનું કામ તેમણે કોઈ ઉપદેશ આપ્યા વગર કર્યું અને સંત સમાજની સન્યાસ વ્યવસ્થાને સુદ્રઢ કરી.

શ્રી શાહે કહ્યું કે, ધીરે ધીરે સમાજમાં ભાગવત શ્રદ્ધા ઘટતી જતી હતી, ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના હજારો સંતોએ પોતાના આચરણથી સનાતન ધર્મ માટે સંદેશ ફેલાવીને એ શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી છે.

તેમણે આગળ જણાવ્યું કે, સનાતન ધર્મે આટલા હજારો વર્ષોની યાત્રામાં અનેક સંકટોનો સામનો કર્યો. આઝાદી પછી સમાજમાં સંતો અને સંસ્થાઓમાં લોકોની શ્રદ્ધા ઘટવી એ સૌથી મોટું સંકટ હતું. આ સંકટમાંથી બહાર આવવા માટે, પ્રમુખસ્વામી મહારાજે એક પણ ઉપદેશનો શબ્દ કહ્યા વગર, પોતે અને પોતાના અનુયાયી સંતો દ્વારા આચરણ કરીને સુંદર રસ્તો શોધી કાઢ્યો, જે આજે સૌ સનાતન ધર્મના સંન્યાસીઓ માટે માર્ગદર્શન બન્યો છે.

શ્રી શાહે સાબરમતી નદીના કિનારાને સંતોના સમર્પણનો સાક્ષી ગણાવ્યો. તેમણે દધીચિ ઋષિનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે આ જ સાબરમતીના કિનારેથી મહાત્મા ગાંધીએ સત્યાગ્રહના શસ્ત્રથી દેશને આઝાદી અપાવી.

તેમણે કહ્યું કે, આ જ અમદાવાદમાં આમલીવાળી પોળમાં પ્રમુખસ્વામી મહારાજે પ્રમુખ પદની સેવાનો સ્વીકાર કર્યો અને ૧૯૫૦ થી ૨૦૧૬ સુધી તેમણે કરેલા બધા જ કામો આજે સમગ્ર દેશના સૌ સંપ્રદાયો માટે ઉદાહરણરૂપ બન્યા છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજના કાર્યક્રમથી આમલીવાળી પોળ ન કેવળ ગુજરાત કે ભારત, પરંતુ સમગ્ર વિશ્વ માટે મુલાકાતનું એક અવિસ્મરણીય સ્થાન બનશે.

તેમણે ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા એ છે કે આ કાર્યક્રમની રચના સંપ્રદાયના ગુણગાન માટે નથી, પરંતુ સમાજના શિક્ષણ માટે છે, સમાજની અંદર અનેક પ્રકારના દુષણો ઘટાડવા માટે છે. સંતનું જીવન કેવું હોય અને સંત જીવનમાંથી શું શીખવું, એનો બહુ મોટો પાઠ આ કાર્યક્રમ બનવાનો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સમારોહમાંથી લોકો જશે ત્યારે સેવકોની સેવા નિષ્ઠાના ગુણો લઈને જશે. અહીં ઉપસ્થિત ઘણા લોકોએ સત્સંગના ગુણો પોતાના જીવનમાં ઉતાર્યા છે, જે સ્વયંસેવકોના સેવાભાવમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

તેમણે કહ્યું કે, આ હરિભક્તોમાં આ ગુણ પ્રમુખસ્વામી મહારાજ અને અન્ય સંતોના સાનિધ્યમાં રહેવાથી આવ્યો છે. પૈસા લઈને કામ કરવાનું હોય તો પણ આવી સેવા લોકોથી નથી થતી. પણ અહીં લાખો એવા ભક્તો છે જે પૈસા પણ આપે છે અને સેવા પણ આપે છે. સેવકોમાં ‘જે કરે એ હરિ કરે’ એવો ભાવ છે.

તેમણે સમજાવ્યું કે સફળતા મળે તો લોકો સ્વની વાહવાહી કરે, બાકી નિષ્ફળતામાં લોકો હરિને યાદ કરે છે, પણ સાચો મર્મ એ છે કે જે કંઈ થાય છે તે ભગવાન કરે છે. સત્સંગનો સાર એ છે કે જીવનનો મર્મ સમજાય અને સંતો પાસેથી એ જ સમજવાનું છે.

આ અવસરે ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન આપણા માટે ગુણોના પ્રેરણાપુંજ સમાન છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પોતાના દરેક શ્વાસ લોકકલ્યાણ માટે સમર્પિત કર્યા તેવા પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્વને સમજવા માટે જીવન ટૂંકું પડે.

તેમણે ઉમેર્યું કે, પ્રમુખસ્વામી મહારાજના નામસ્મરણ માત્રથી જ અંતરમાં શાંતિ સ્થપાઈ જાય છે.

BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજે આ અવસરે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે પ્રમુખ હોવા છતાં જીવનભર દાસભાવે સેવા જ કરી, તેમના જીવનના ગુણો અનન્ય છે.

મહંતસ્વામીએ પોતાની યુવકકાળની સ્મૃતિ વાગોળતા પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાપાલન, પરોપકાર સહિતના ગુણોનો પરિચય કરાવ્યો હતો.

આ સમારોહમાં યુવાનો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.

આ પ્રસંગે BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!