GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ,ગોધરા ખાતે જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય શુભારંભ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ફૂટબોલ રમતની ટુર્નામેન્ટનું ગોધરાના પ્રાંત અધિકારીશ્રી નિરિલ મોદી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પરમારના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કનેલાવ- ગોધરા ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું.

આ તકે મહાનુભાવોએ ખેલાડીઓને સંબોધિત કર્યા હતા અને સ્પર્ધાની ભાવના સાથે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો અને ખેલાડીઓને તેમની ક્ષમતાઓને ઓળખીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પંચમહાલ જિલ્લાનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, પંચમહાલ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયાએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા રમતવીરો માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ખેલાડીઓને કારકિર્દીના વિકાસ અને જરૂરી સહાય માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા વ્યાયામ શિક્ષકો, કોચીઝ અને ટ્રેનર્સ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ, કોચીઝ અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!