
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિંતિત રાજ્ય સરકારનો આભાર માનતા વાલીઓ.
“મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને આપાઈ છે સુખડી, ચણા, મિક્સ કઠોળ, ફળોનો અલ્પાહાર.
માંડવી,તા-૨૪ ડિસેમ્બર : બાળકો ઉત્સાહથી સ્કૂલે જાય એ માટે રાજ્ય સરકાર વિવિધ માળખાકીય સુવિધાઓ ઊભી કરી રહી છે. કચ્છના ભુજ તાલુકાની સુખપર કુમાર પ્રાથમિક શાળાનં ૨ અને તેના જેવી રાજ્યની અનેક સરકારી શાળાઓમાં ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને અપનાવીને આધુનિક ક્લાસરૂમ, પાણી, પોષણયુક્ત આહાર, વીજળી, શૌચાલય, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે આ સાર્થક કરી બતાવ્યું છે.બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સતત ચિંતા કરતાં વાલીઓની સમસ્યાને દૂર કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે બાળકોના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે. એવી જ એક મહત્વની યોજના છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે બાળકોના શિક્ષણ સાથે પોષણને પણ સુનિશ્ચિત કરે છે. કચ્છના ભુજ તાલુકાની સુખપર કુમાર પ્રાથમિક શાળા નં ૨ એ ઈ.સ ૧૯૯૭થી કાર્યરત છે. આ શાળામાં વિદ્યાર્થીઓને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”નો લાભ મળી રહ્યો છે. ૧૨ વર્ષથી શાળાનું સૂકાન સંભાળી રહેલા શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજા એ આ યોજના કેવી રીતે બાળકો માટે લાભદાયી નીવડી છે, તે અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળકોના શિક્ષણ સાથે પોષણ પર ભાર મૂક્યો છે. ત્યારે સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે. જેમાં બાળકોને સુખડી, ચણા, ચીકી, મિક્સ કઠોળ, મીલેટ્સ તેમજ ઋતુ અનુસાર ફળોનો અલ્પાહાર આપવામાં આવે છે, જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે. “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ થઈ તે બાદ વિદ્યાર્થીઓના પોષણના સ્તરમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરિણામે શાળાની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે તેવું આચાર્યશ્રીએ ઉમેર્યું હતું.આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં માતા-પિતા રોજિંદા કામ માટે જતાં હોય છે તેથી સમયસર બાળકોની પૂરતી સંભાળ ન લઈ શકતાં વાલીઓને સતત બાળકોના પોષણની ચિંતા રહેતી હોય છે. ત્યારે રાજ્ય સરકારે વાલી તરીકેની ભૂમિકા ભજવીને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અમલી કરી છે, જે બદલ વાલીશ્રી વૈશાલીબેન કલ્પેશભાઈ રાજગોર એ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ યોજના થકી સરકારે પરિવારની ચિંતા હળવી કરી છે, તેવું જણાવીને વૈશાલીબેન રાજગોર એ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે કટીબદ્ધ બનેલા મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બાળકોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતાં આવિરત પ્રયાસોને શાળાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર આવકારી રહ્યા છે. “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત ઘર જેટલો જ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો મળતાં જ રાજીપો વ્યક્ત કરીને વિદ્યાર્થીઓએ શાળા અને સરકારશ્રીનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: ૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને મળે છે કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીએ ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સુપોષિત ગુજરાત મિશન હેઠળ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજના હેઠળ આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મળે એ સુનિશ્ચિત કરવાનો છે. ગુજરાત પીએમ પોષણ યોજના હેઠળ ભોજન ઉપરાંત બાલવાટિકાથી ધોરણ- ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવાનો નિર્ણય લેનાર અગ્રીમ રાજ્ય છે. ગુજરાત સરકાર આ પોષણલક્ષી યોજનાના અમલ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકારિત કરી રહી છે.
પી.એમ.પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ શાળાઓમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ હેઠળ નિયમિત લાભ લે છે. આ યોજના અંતર્ગત સરેરાશ ૨૦૦ કિલો કેલરી અને ૬ ગ્રામ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક અલ્પાહાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલ, રાજ્યની ૩૨,૨૬૫ જેટલી પ્રાથમિક શાળાઓના ૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹૬૧૭.૬૭ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

















