AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા ગિગ વર્કર્સ માટે ‘યુવા ન્યાય’ અભિયાનનો પ્રારંભ, ગૌરવ અને સુરક્ષાની માંગ ઉઠી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા ગિગ વર્કર્સના હક્કો અને સુરક્ષા માટે ‘યુવા ન્યાય’ અભિયાનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલે આ અભિયાન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં હાલ બેરોજગારીનો દર છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ છે, જેના કારણે યુવાનો શોષણભર્યા અને અનિશ્ચિત કામ કરવા માટે મજબૂર બન્યા છે.

પ્રવીણસિંહ વણોલે જણાવ્યું હતું કે દેશમાં વધી રહેલી એપ આધારિત પ્લેટફોર્મ ઇકોનોમી જેમ કે Zomato, Swiggy, Blinkit, Zepto, Ola અને Uberમાં કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ આ વર્ગને ગૌરવ, સુરક્ષા અને સન્માન મળતું નથી. યુવાનોનું જીવન અને રોજગાર બંને આજે અલ્ગોરિધમના નિયંત્રણ હેઠળ આવી ગયું છે. પાર્ટનર જેવા નામ આપી કંપનીઓ ગિગ વર્કર્સને કર્મચારીના હક્કોથી વંચિત રાખે છે અને યોગ્ય વળતર આપતી નથી.

તેમણે જણાવ્યું હતું કે ગિગ વર્કર્સ સામે અનેક ગંભીર સમસ્યાઓ છે. ન્યૂનતમ આવકની કોઈ ગેરંટી નથી, દૈનિક કમાણી અનિશ્ચિત અને સતત ઘટતી જઈ રહી છે. અકસ્માત, બીમારી અથવા આરોગ્ય સમસ્યાના સમયે કોઈ વીમા કવર કે સહાય મળતી નથી. પ્લેટફોર્મ દ્વારા મનમાની રીતે એકાઉન્ટ અથવા આઈડી બ્લોક કરી દેવામાં આવે છે, જેના કારણે રોજગાર પર તાત્કાલિક અસર પડે છે અને પરિવારની રોજીરોટી જોખમમાં મુકાઈ જાય છે.

પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખે નીતિ આયોગના 2022ના અહેવાલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં દેશમાં અંદાજે 77 લાખ ગિગ વર્કર્સ હતા, જે 2029-30 સુધીમાં 2.35 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. હકીકતમાં આ આંકડો આ કરતાં પણ ઘણો વધારે હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુથ કોંગ્રેસ દ્વારા ‘યુવા ન્યાય’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકાર દ્વારા એક વ્યાપક રાષ્ટ્રીય કાયદો બનાવવાની માંગ કરવાનો છે, જેમાં એપ આધારિત ગિગ વર્કર્સને કર્મચારીનો દરજ્જો આપવામાં આવે. આ કાયદા અંતર્ગત આરોગ્ય અને અકસ્માત વીમો, માતૃત્વ લાભ, પેન્શન, વૃદ્ધાવસ્થાની સુરક્ષા, યોગ્ય મહેતાણું, ન્યૂનતમ આવકની ગેરંટી, પારદર્શી ચુકવણી વ્યવસ્થા, કાનૂની સંરક્ષણ, અસરકારક ફરિયાદ નિવારણ તંત્ર અને મનમાની આઈડી બ્લોકિંગ પર પ્રતિબંધ જેવી જોગવાઈઓ કરવાની માંગ ઉઠાવવામાં આવશે. પાર્ટનર શબ્દનો ઉપયોગ કરીને કંપનીઓ કાનૂની જવાબદારીઓથી બચી ન જાય તે માટે પણ કડક નિયમોની માંગ કરવામાં આવશે.

પ્રવીણસિંહ વણોલે ઉમેર્યું હતું કે ‘યુવા ન્યાય’ અભિયાન તબક્કાવાર રીતે ગુજરાતના મોટા શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગિગ વર્કર્સ સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના સમયમાં ગિગ વર્કર્સ માટે અમલમાં રહેલી સામાજિક સુરક્ષા યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ત્યાં આરોગ્ય અને અકસ્માત વીમો, બાળકો માટે સ્કોલરશીપ અને શિક્ષણ સંબંધિત લાભો આપવામાં આવતા હતા, જે ગિગ વર્કર્સ માટે આશ્વાસનરૂપ હતા.

આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઉવેશ મન્સૂરી, મહામંત્રી પૃથ્વીરાજસિંહ સોલંકી, મીડિયા વિભાગના ચેરમેન મુકેશ આંજણા તેમજ અર્ષદ શેખ, ભાવિક સોલંકી સહિતના યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગિગ વર્કર્સના હક્કો માટે સંગઠિત સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!