વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ૩૦ દિવસીય વિશેષ મેદસ્વિતા મુક્તિ કેમ્પનો આરંભ થયો છે. જે અંતર્ગત જૂનાગઢમાં પણ ટીંબાવાડી અને ઝાંઝરડા રોડ વિસ્તારમાં બે જગ્યાએ મેદસ્વિતા મુક્તિ માટેનો કેમ્પ કાર્યરત છે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારનાં કો-ઓર્ડીનેટર વૈશાલીબેન ચુડાસમા નાં માર્ગદર્શન હેઠળ બે કેમ્પ શરૂ કરવામાં આવેલ છે.ટીંબાવાડી વિસ્તારમાં કાર્યરત કેમ્પના સંચાલક ભગવાનજીભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે,હાલમાં અહીં ૮૫ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઓનલાઈન વેબસાઈટ પર હજી આગામી તા.૨૫ સુધી નાગરિકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે.અહી તેમણી સાથે સહસંચાલક આશીતાબેન મોકરિયા,ભરતભાઈ કળથીયા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.આ કેમ્પમાં મેદસ્વિતા મુક્તિ માટેના આસનો, કસરતો પર વધુ ભાર આપવામાં આવે છે. પશ્ચીમોતાસન, ચકકીઆસન, સુક્ષ્મવ્યાયામ, ભુજંગાસન, સલભાસન, ધનુરાસન, ઉતાનપાદાસન,કપાલભાતિ જેવા આસનો અને કસરતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રોટોકોલ મુજબ કરાવવામાં આવે છે.આ ઉપરાંત યોગ બોર્ડ અને આરોગ્ય વિભાગની મેડીકલ ટીમ નાગરિકોનો બ્લડ ટેસ્ટ, બોડી માસ ઇન્ડેક્સ તૈયાર કરીને સ્થળ પર ડાયટપ્લાન આપશે.ઉલ્લેખનીય છે કે, મેદસ્વિતા એ આજે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. મેદસ્વિતા થી અનેક બીમારીઓ ઉદભવે છે. મેદસ્વિતા મુક્તિ અભિયાન’નાગરિકોના તન અને મનનો ભાર ઘટાડવામાં એક અસરકારક પગલું પૂરવાર થશે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ