પ્રાણીઓની સાચવણી અધિનિયમ હેઠળ ના ગુના ના આરોપીને હાલોલ એડી. સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી તપાસ કરનાર અમલદાર સામે ખાતકીય કાર્યવાહી કરવા આદેશ.

તારીખ ૦૫/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૪/૦૨/૨૦૨૦ ના રોજ ફારુક અબ્દુલ કાદીર જમાલ ઉર્ફે ગુલઝાર સામે કતલના ઈરાદે ગાયો અને બળદ પોતાના ઘરે લાવી બાંધી સંતાડી રાખેલ હોવાની બાતમી આધારે રેડ કરી વેજલપુર પોલીસે ૩ ગાય અને ૩ બળદ પકડી પાંજરાપોળ ખાતે મોકલ્યા હતા અને ગુજરાત પશુ સંરક્ષક સુધારા અધિનિયમ ચાર્જશીટ કરી હતી. સમગ્ર મામલે હાલોલના ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી તરફે એડવોકેટ કે ડી મલેક હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. બનાવ સમયે આરોપી ની હાજરી નથી જે મકાનમાંથી ગૌવંશ મળ્યો તે મકાન આરોપીનુ હોવાનો નકકર પુરાવો નથી, દિવસનો બનાવ છે તેમ છતાં કોઈ સ્વતંત્ર સાહેદ નથી.બાતમીની કોઈ નોંધ નથી વધુમાં તપાસ અધિકારી રેડિંગ પાર્ટીના મેમ્બર હતા તે પણ ઉલટ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે હાલોલ ના ૩ જા એડી સેશન્સ જજ બી ડી પરમાર દ્વારા બનાવવાળી જગ્યાના કબજેદાર માલિક આરોપી છે તેવો કોઈ દસ્તાવેજી પુરાવો ફરિયાદ પક્ષે રજૂ કર્યો નથી વધુમાં તપાસ અધિકારી દ્વારા મહત્વના દસ્તાવેજો પુરાવા તરીકે રેકર્ડ પર લાવ્યા ન હોવાથી આરોપી સામે ગુનો પુરવાર થતો નથી તે માટે તપાસ અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરવા નામ. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ને ચુકાદાની નકલ મોકલવા ઠરાવી આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.





