
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા માર્કેટ યાર્ડ (જથ્થાબંધ માર્કેટ)માં ગોળ, ચીકી તેમજ ઉત્તરાયણ નિમિત્તે વાપરવામાં આવતા રો-મટીરિયલ બાબતે ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી એ. બી. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઑફિસર એમ.એમ.પટેલ તથા એસ.બી.પટેલ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.વિવિધ પેઢીઓની તપાસમાં તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા ગોળ તથા અન્ય ખાદ્ય પદાર્થોની શંકાના આધારે મે. મોમાઈ ટ્રેડર્સ, માર્કેટયાર્ડ ભુજમાંથી એફ.બી.ઓ શ્રી ચૌધરી દિનેશભાઈ ગંગાદાસ પાસેથી પડેલ દેશી ગોળ ૯૦૦ ગ્રામ કંપની પેકનો નમૂનો લઇ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યો છે. તેમજ સ્થળ પર વધેલા તમામ જથ્થાને પૃથ્થકરણ અહેવાલ ન આવે ત્યાં સુધી સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે.જેનો કુલ જથ્થો ૧૨ પેટી અંદાજે ૧૧૨ નંગ જેની આશરે કુલ કિંમત ૧૦,૮૧૨ છે. આ સાથે લીધેલ અન્ય ” વડેચા દેશી ગોળ ૯૦૦ ગ્રામ. કંપની પેક “, જૈનમ દેશી ગોળ ૯૦૦ ગ્રામ કંપની પેક” જેવા તમામ નમૂનાઓ પ્રયોગશાળામાં પૃથ્થકરણ અર્થે મોકલી આપેલા છે. પ્રયોગશાળાના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.





