વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત કી આંખો કા તારા સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ અને રેવન્યુ વિભાગનાં સંકલન નાં અભાવે મહત્વની રોપવે અને બોટિંગ જેવી મનોરંજન એક્ટિવિટી ઘણા સમયથી ઠપ્પ થઈ જતા પ્રવાસન ઉધોગ સહિત સ્થાનિક ધંધાર્થીઓનાં રોજગાર પર માઠી અસર પહોંચી છે. રાજ્યના એકમાત્ર હવાખાવાનું સ્થળ હોવા છતા રાજ્ય સરકારે કાયમી ચીફ ઓફિસર કે સક્ષમ અધિકારીની નિમણુક ન કરતા વિકાસમાં અવરોધ આવવાની સાથે કેટલીક મહત્વની મનોરંજન એક્ટિવિટી જેવી કે નૌકાવિહાર, રોપવે છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી કોઈક કારણોસર બંધ કરી દેતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થવા સાથે સ્થાનિક ધંધાર્થીઓનો રોજગાર છીનવાઈ જતા પરિવારનું પાલન પોષણ કરવા મહારાષ્ટ્રનાં શાકભાજી અને દ્રાક્ષની વાડીઓમાં મજૂરી અર્થે હીજરત કરવાની નોબત ઉભી થવા પામી છે.હાલ બોટિંગ અને રોપવે જેવી મહત્વની એક્ટિવિટી બંધ કરી દેતા સ્થાનિક તંત્ર કરોડો રૂપિયાની આવક તો ગુમાવી રહ્યુ જ છે સાથો સાથ સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ જવાની સાથે હોટલોમાં પ્રવાસીઓની ઘટ ને પગલે હોટલ ઉદ્યોગ મંદીનાં ખપ્પરમાં હોમાઈ જતા હોટલ ઉદ્યોગ મૃતપાય બની રહ્યો છે.રાજ્ય સરકાર એકતરફ સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષવા નિત નવા ફેસ્ટિવલ યોજી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો આંધણ કરે છે, જયારે બીજી તરફ સાપુતારામાં પ્રવાસીઓને મનોરંજન મળે તેવી બોટિંગ અને રોપવે એક્ટિવિટી બંધ કરી કરી દેતા પ્રવાસીઓમાં નારાજગી ફેલાય જવા પામી છે, તેવામાં રાજ્યનું પ્રવાસન વિભાગ અને સ્થાનિક રેવન્યુ વિભાગ સંકલન સાધી પ્રવાસીઓની હિત અને સ્થાનિકોના રોજગારી માટે બોટિંગ અને રોપવે એક્ટિવિટી સત્વરે ચાલુ કરે તે જરૂરી બની ગયુ છે..