GUJARATKUTCHMUNDRA

મુંદરામાં હજરત શાહ મુરાદ બુખારી પીરનો ૩૫૬મો ઉર્ષ કોમી એકતાનું પ્રતીક બન્યો

  • રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

મુંદરામાં હજરત શાહ મુરાદ બુખારી પીરનો ૩૫૬મો ઉર્ષ કોમી એકતાનું પ્રતીક બન્યો

 

મુંદરા,તા.7 : મુન્દ્રા ખાતે કોમી એકતાના પ્રતીક એવા હજરત શાહ મુરાદ બુખારી (રહમતુલ્લાહ અલયહે)નો ૩૫૬મો ઉર્ષ મુબારક ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા સાથે ઉજવાયો. આ ઉર્ષમાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત સવારે કુરાન ખ્વાની અને બપોરે તકરીર (ધાર્મિક પ્રવચન)ના કાર્યક્રમો સાથે થઈ હતી. સાંજે, તબેલા ગ્રાઉન્ડથી એક ભવ્ય જુલૂસ નીકળ્યું હતું, જે હસન પીર બઝાર, માંડવી ચોક અને નદીવાળા નાકા થઈને પસાર થયું હતું. આ જુલૂસ ફરી શાહ મુરાદ પીર દરગાહના કમ્પાઉન્ડ ખાતે પરત ફર્યું હતું.

જુલૂસ બાદ, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં હજરત શાહ મુરાદ બુખારીની દરગાહ શરીફ પર ચાદર પોશી કરવામાં આવી હતી. આ અવસરે સાંજે ન્યાઝ (પ્રસાદ)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીર સૈયદ તફસીરૂલહકક નૈસાદ મિયા બુખારીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.

આ ઉર્ષ નિમિત્તે દરગાહ શરીફને યાદે કરબલા કમિટી દ્વારા સુંદર રીતે શણગારવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મુંદરા તાલુકાના હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક દરગાહના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

Back to top button
error: Content is protected !!