JAMNAGARJAMNAGAR CITY/ TALUKO
બેડલા તાલુકાશાળાની દિકરીઓ હવે પ્રાંત કક્ષાએ ભાગ લેશે
*ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા ૨૦૨૪નું તારીખ ૨૮/૦૯/૨૦૨૪ ને શનિવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રાથમિક શાળા નં.૬૩ ખાતે આયોજન થયું હતું. જેમાં અગાઉ શાળા સ્તર માં ભાગ લીધેલ રાજકોટ ની જાણીતી ૫૦ શાળા નાં ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓમાંથી પસંદ પામેલા ૧૦૦ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે પ્રાથમિક વિભાગમાં પોતાના જ્ઞાન નું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાંથી પ્રાથમિક વિભાગમાં બેડલા તાલુકા શાળાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જે હવે સુરેન્દ્રનગર ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કક્ષાની ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધામાં ભાગ લેવા જશે.
રાજકોટ તાલુકાની ઠાંગા વિસ્તારની અંતરિયાળ ગામ બેડલાની સરકારી પ્રાથમિક શાળા એવી શ્રી બેડલા તાલુકા શાળાની ધોરણ ૮ની બન્ને વિદ્યાર્થીનીઓ કુ. કાગડીયા વંદનાબેન વનરાજભાઈ તથા કુ. કાગડીયા દયાબેન કેશુભાઈએ સુંદર પ્રદર્શન કરતા માધ્યમિક વિભાગના વિજેતા બાળકો કરતાં પણ વધુ ગુણ મેળવ્યા હતા. સાત રાઉન્ડમાં કુલ ૨૧૧ ગુણ સાથે પ્રથમ નંબર મેળવ્યો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે ગત સાલ પણ આ સ્પર્ધામાં શાળાએ પ્રથમ નંબર મેળવ્યો હતો.
શાળાના શિક્ષકો હેમાંગીનીબેન રાઠોડ, રચનાબેન જોષી, મૈત્રેયીબેન ત્રિવેદી અને ભાવેશભાઈ કુમરખાણીયાએ બાળકોને તૈયારી કરાવી હતી. શાળાના આચાર્ય જતીનભાઈ પરમારે બન્ને દીકરીઓ, તેમના વાલીઓ તથા શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્યા છે.
ગામની આ દીકરીઓ અને શાળાની સિદ્ધિને લઈને બેડલા ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તારીખ ૦૬/૧૦/૨૦૨૪ને શનિવારના રોજ આ બન્ને દીકરીઓ સુરેન્દ્રનગર ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. હાલ બન્ને દીકરીઓ અને શાળાને ચોમેરથી અભિનંદન સહ પ્રાંત કક્ષા માટે શુભેચ્છાઓ મળી રહી છે.
_________________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
- bhogayatabharat@gmail.com