સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત મેદસ્વિતા સામેની લડાઇમાં યોગ રામબાણ ઇલાજ.
વ્યકિતએ માનસિક અને શારીરિક તંદુરસ્તી તેમજ મેદસ્વિતા મુક્ત થવા માટે યોગ અને પ્રાણાયામ કરવા જોઇએ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ, તા – ૦૭ મે : બદલાતા સમયમાં બેઠાડું જીવન તથા આહારમાં જંકફુડ તથા તેલ,ઘી, મસાલા વાળા વધુ પડતા ખોરાકના સેવનના કારણે નાગરિકો મેદસ્વિતાનો ભોગ બની રહ્યા છે. ધીરે ધીરે હવે નાના બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે સમગ્ર ગુજરાત મેદસ્વિતા મુક્ત બને અને નાગરિકો તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે કાબિલેદાદ છે, તેવી લાગણી ભુજમાં ૨૦ વર્ષથી યોગની તાલીમ આપતા યોગકોચ જયશ્રીબેન ભાનુશાલીએ વ્યક્ત કરી છે.મેદસ્વિતા સામેની લડાઇમાં યોગની ભુમિકા વિશે જણાવતા જયશ્રીબેન જણાવે છે કે, છેલ્લાં બે દાયકાથી હું યોગ શીખવું છું. જેમાં ઘણા લોકો યોગ અને યોગ્ય આહારની મદદથી વજન ઓછું કરીને મેદસ્વિતા મુક્ત બન્યા છે. ૧૦૦ થી ૧૨૦ કિલો જેટલું વજન ધરાવતા અનેક લોકો નિયમિત યોગને અપનાવ્યા બાદ સંતુલિત વજન સુધી પહોંચવામાં સફળ બન્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ મેદસ્વિતાને દુર કરવામાં મનોબળ મક્કમ બનાવવામાં પણ મદદરૂપ બને છે. પ્રાણાયામની મદદથી વ્યકિત માનસિક શાંતિ સાથે એક નવી ઉર્જાનો સંચાર મેળવી શકે છે. આજના સમયમાં બાળકો, મહિલાઓ તથા પુરૂષો તમામ જાડાપણાનો શિકાર બનતા જાય છે, ત્યારે રોજ સવારે વહેલી દિનચર્યાની શરૂઆત કરીને સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામમાં અનુલોમ-વિલોમ, ભ્રામરી, કપાલભાતિ, શીતલી, શીતકારી,ઉજ્જાઇ, નાડીશોધન વગેરેથી કરી શકાય છે. ઉપરાંત યોગ આસનમાં સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, ધનુરાસન, ઉત્કટાસન, નૌકાસન, ચક્કીચાલન વગેરે કરી શકાય છે. આ સાથે ઘરનો ઓછા તેલ-ધી-મસાલા વગરનો સાત્વિક ખૌરાક ખાવો વધુ યોગ્ય છે. બસ મેદસ્વિતાને હરાવવા માટે જીવનમાં નિયમિતતા લાવવી જરૂરી છે. જયશ્રીબેન ઉમેરે છે કે, યોગ અપનાવવાથી મેદસ્વિતાતો ઘટે જ છે, સાથે અનેક બિમારીથી પણ છુટકારો મળે છે. આમ, યોગએ ભારતની દુનિયાને અમૂલ્ય ભેટ છે ત્યારે તેને આપણે પણ રોજિંદા જીવનમાં યોગ અપનાવીને વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરવામાં સહયોગ આપીએ.



