રાજપીપલા–સિસોદ્રા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા જૂના માઈનર બ્રિજની સ્થિતિના પગલે ભારે વાહનો પર પ્રતિબંધ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા માર્ગ અને મકાન વિભાગના હસ્તકના રાજપીપલા-સિસોદ્રા (રાજ્ય ધોરી માર્ગ) ની કુલ ૧૪ કિમી લંબાઈ ધરાવતા ડામર સપાટી વાળા રસ્તાની હયાત પહોળાઈ ૭ મીટર છે. આ રસ્તા પર તથા રસ્તાને ગ્રામ્ય માર્ગોથી જોડાયેલા નાના મોટા ૧૪ કરતા વધારે ગામડાઓ આવેલા છે. જે ગામોની કુલ વસ્તી ૧૫ હજાર જેટલી છે. આ વિસ્તારમાં કેળા તથા શેરડીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે. ખેડૂતો દ્વારા શેરડીના કટિંગને નર્મદા સુગર ફેક્ટરી (ધારીખેડા ગામે સ્થિત) પહોંચાડવા માટે આ માર્ગનો ઉપયોગ થાય છે.
વધુમાં વર્ષ ૨૦૨૧થી સિસોદ્રા ગામ નજીકની નર્મદા નદીમાંથી રેતી ઉપાડવાની લિઝ મંજુર થતાં આ માર્ગ પર રેતી ભરેલા ભારદારી વાહનોની અવરજવર પણ નોંધપાત્ર રીતે વધી છે. આ માર્ગના સાંકળ ૪/૭૦૦ થી ૪/૮૦૦ વચ્ચે નાગુવા નદી પર આવેલો માઈનર બ્રીજ વર્ષ ૧૯૬૨-૬૩ દરમિયાન નિર્માણ થયો હતો. એટલે કે, હાલ બ્રીજના બાંધકામને લગભગ ૬૨ વર્ષ વીતી ગયા છે.
૨૦૦૬માં ભારે વરસાદના કારણે નદીમાં આવેલા ભારે પ્રવાહથી બ્રીજનો એક પીયર બેસી ગયો હતો અને તેના કારણે બે સ્પાન નીચે બેઠા હતા. વર્ષ ૨૦૨૪ માં કુલ ૫ સ્પાન પૈકી ૩ સ્પાનનું મજબુતીકરણનું કામ કરવામાં આવ્યું છે. તેમ છતાં, બ્રીજના કુલ આયુષ્ય અને અગાઉ થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં તે ભારે વાહનો માટે યોગ્ય છે કે નહીં, તે બાબતે તકેદારી રાખવી જરૂરી છે.
બ્રીજનું ડીટેઈલ સ્ટ્રકચર ઇન્સ્પેક્શન કરી બ્રીજની સ્ટ્રેન્થની ચકાસણી કરાશે. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ આધારે બ્રિજ પર ભારે વાહનોની અવરજવર ચાલુ રાખવી કે નહી તે અંગે નિર્ણય લેવાશે. ત્યા સુધી સાવચેતીના પગલાંરૂપે આ બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોના અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવે છે.
વૈકલ્પિક માર્ગ મુજબ રાજપીપલાથી સિસોદ્રા જતા વાહનો માટે રાજપીપલા, પ્રતાપનગર, રાજુવાડીયા, નાવરા, કાંદ્રોજ, સિસોદ્રા તેમજ સિસોદ્રાથી રાજપીપલા જતા વાહનો માટે સિસોદ્રા, કાંદ્રોજ, નાવરા, રાજુવાડીયા, પ્રતાપનગરથી રાજપીપલા મુજબનો રૂટ આપી શકશે. તેમ, માર્ગ અને મકાન વિભાગ, રાજપીપલા દ્વારા ભલામણ કરવામાં આવી છે.