
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજીની હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશઅરવલ્લી LCBની કાર્યવાહી, વીઆઇપી 11 જુગારીઓ ઝડપાયા ; રૂ.14.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જિલ્લાના શામળાજીમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હોટલમાં ચાલતા કથિત હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB પોલીસે મંગલમૂર્તિ હોટલના રૂમ નંબર-206માં દરોડો પાડી હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા 11 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ LCB PI એમ.એચ. ઝાલા અને તેમની ટીમ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મંગલમૂર્તિ હોટલમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે હોટલના રૂમ નંબર-206માં દરોડો પાડતા બે પલંગ પર બેસીને જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી હારજીતની બાજી પર લગાવવામાં આવેલા રૂ.1.06 લાખ રોકડા, જુગારીઓની અંગજડતીમાંથી રૂ.9,400, 13 મોબાઈલ ફોન અને એક કાર સહિત કુલ રૂ.14.35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્લાસ્ટિકના ટોકનથી રમાડાતો હતો જુગાર
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ જુગાર રમવા માટે રોકડ રકમના બદલે અલગ-અલગ રંગના પ્લાસ્ટિકના ટોકનનો ઉપયોગ કરવામાં આવતો હતો. રૂ.1,000ના બદલામાં ગુલાબી, રૂ.500ના બદલામાં વાદળી, રૂ.200ના બદલામાં લીલા અને રૂ.100ના બદલામાં પોપટી રંગના ટોકન આપવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે.આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ રોકડ રકમ સીધી રીતે જુગારના સ્થળે ન દેખાય તે માટે કરવામાં આવતો હોવાનો પોલીસનો દાવો છે.
હિંમતનગરથી કારમાં લવાતા હતા જુગારીઓ
સૂત્રોના જણાવ્યા મુજબ જુગાર રમવા માટે હિંમતનગર સહિતના વિસ્તારોમાંથી લોકોને કાર મારફતે શામળાજી લાવવામાં આવતા હતા. પોલીસે ઝડપાયેલા 11 શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસમાં હોટલ માલિક લલિત ચંદુલાલ પટેલ અને તેના સાગરીત અશોક રમણલાલ પટેલ સામે પણ શામળાજી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઝડપાયેલા 11 વીઆઇપી શકુનિઓના નામ નીચે મુજબ છે
1. અશોક રમણલાલ પટેલ
2. અનિલસિંહ ઇન્દ્રજીતસિંહ હોંડા
3. ઈશ્વર ધરમચંદભાઈ પ્રજાપતિ
4. રવી કિશનલાલ કહાર
5. કૈલાશ મણીભાઈ ખટીક
6. જયેશ રામપ્રસાદ વ્યાસ
7. જશ્મિન ગુણવંતભાઈ શાહ
8. ભરત મોહનભાઈ રાઠોડ
9. સંદીપ વિનુભાઈ રામી
10. રોહિતસિંહ ગુણવંતસિંહ ચૌહાણ
11. ચંદ્રકાંત રમણલાલ પટેલ
સમગ્ર મામલે શામળાજી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હોટલમાં આ પ્રકારની પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી અને તેમાં અન્ય કોઈની સંડોવણી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.



