GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં ઇતિહાસ જીવંત થશે; અયોધ્યા નગરથી એરુ સર્કલ સુધીનો રૂ.૧૪ કરોડના ખર્ચે હેરિટેજ રોડ બનશે …

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ સાથે ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે એક અભિનવ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિજલપોર વિસ્તારમાં રેલ્વે ઓવરબ્રિજ બાદ અયોધ્યા નગર સોસાયટીથી શરૂ કરી એરુ ચાર રસ્તા સુધીના આશરે ૨ કિલોમીટરના માર્ગને ‘હેરિટેજ રોડ’ તરીકે વિકસાવવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાર્લી રહી છે. અંદાજે રૂ.૧૪ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નવસારીની ઓળખ સમાન સુપ્રસિદ્ધ ‘દાંડી માર્ચ’ની સ્મૃતિઓને તાજી કરવાનો અને નાગરિકોને વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવાનો છે. આ પ્રોજેક્ટની તાંત્રિક વિગતો મુજબ, આ હેરિટેજ રોડ ૧૮ મીટરની પહોળાઈ ધરાવશે, જે વાહનવ્યવહારને સુગમ બનાવવાની સાથે પર્યટનનું કેન્દ્ર પણ બનશે. આ કામગીરી પૂર્ણ કરવા માટે ૧૨ મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. હાલના તબક્કે સાઈટ પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે ૨૨% જેટલું ભૌતિક કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. નવસારી મહાનગરપાલિકા તંત્ર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ હેરિટેજ માર્ગનું સૌથી મોટું આકર્ષણ તેની થીમ આધારિત ડિઝાઈન છે. આ માર્ગ પર ચાલતા નાગરિકોને નવસારીની ઐતિહાસિક દાંડી કૂચની અનુભૂતિ થાય તે પ્રકારે વિવિધ સ્થળોએ કલાત્મક સ્ક્રપ્ચર્સ (શિલ્પકૃતિઓ) અને મોરલ્સ મૂકવામાં આવશે. આ કૃતિઓ દ્વારા ગાંધીજીના વિચારો અને સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસને નવી પેઢી સમક્ષ રજૂ કરવામાં આવશે. આધુનિક સ્ટ્રીટ લાઈટ્સ, બેસવા માટેના બાંકડા અને હરિયાળી સાથેનો આ માર્ગ માત્ર વાહનવ્યવહાર માટે જ નહીં, પરંતુ સાંજના સમયે સહેલાણીઓ માટે ટહેલવા માટેનું એક મનપસંદ સ્થળ સાબિત થશે. વિજલપોર અને એરુ વિસ્તારને જોડતો આ માર્ગ આગામી દિવસોમાં નવસારીની શાનમાં વધારો કરશે.

Back to top button
error: Content is protected !!