નર્મદા : જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા ધારાસભ્ય ચૈતર વસાવાની પદયાત્રા, કામ શરૂ ના થાય તો ૩૧ મી એ વડાપ્રધાનને રજૂઆત કરવાની ચીમકી
પદયાત્રા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું
જીતગઢથી જુનારાજના રોડની કામગીરી દરમિયાન વન વિભાગના નાયબ વન સંરક્ષકે ફોરેસ્ટની NOC ન હોવાનું કહી વાહનો જપ્ત કર્યા: ચૈતર વસાવા
રાજપીપળાc : જુનેદ ખત્રી
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા માટે વહેલી સવારથી જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી. જુનારાજમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ રોડ ન બનતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામથી પદયાત્રા યોજી હતી. ચૈતર વસાવાએ ઐતિહાસિક પૌરાણીક, પર્યટક ગામ જુનારાજ, ઉપલા જુનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા,દેવહાત્રા જવા રોડ બનાવવા માટે પદયાત્રા શરૂ કરી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. પદયાત્રા કર્યા બાદ ચૈતર વસાવાએ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું હતું.
પત્રમાં ચૈતર વસાવાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, અહીં વર્ષોથી જીતગઢથી જુનારાજને જોડતો રસ્તો છે. આજ રસ્તે, નીચલું જુનારાજ, ઉપલુ જુનારાજ, વેરીસાલ, પાંચખાડી, કોમદીયા જેવા પરા-ગામ પણ આવેલા છે. જે રસ્તે 14 કિ.મી. ડામર રોડ મંજૂર થયેલ છે. ડી.બી.પટેલ- મેમર્સ દ્વારા તા.12/03/2024 ના રોજથી સ્ટ્રક્ચરની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ, કેવડીયા અને નર્મદાના નાયબ વન સંરક્ષક દ્વારા વાહનોને જપ્ત કરી કામગીરીને અટકાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, “ફોરેસ્ટ NOC- પરવાનગી નથી મળી”.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડનું કામ અટકી પડતા હાલ ગ્રામજનોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાજપના સાંસદ મનસુખ વસાવાની વાત પણ તંત્ર સાંભળી રહ્યું નથી. ત્યારે સવાલ એ થાય છે કે આ જ નર્મદા જીલ્લામાં આજ વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ પ્રોજેકટો, સાપુતારા- સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીન કોરિડોર, માલસામોટ ઈકો ટુરીઝ જેવા મોટા પ્રોજેક્ટોમાં રાતો-રાત મંજુરી આપી કામો થઈ જાય છે. અહીં લોકોની મૂળભૂત સુવિધાઓ માટે રસ્તા બને તો Forest Clearance માંગવામાં આવે છે આ વલણ ચલાવી લેવાય તેમ નથી. જેથી તાત્કાલિક અસરથી જીતગઢથી જુનારાજના ડામર રોડની કામગીરી ચાલુ કરાવામાં આવે એવી અમારી માંગણી છે. જો 15 દિવસમાં આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો અસર કરતાં તમામ ગામના લોકો ભેગા મળી તા.31/10/2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને રજુઆત કરવા કેવડીયા પહોંચીશું.
દેશની આઝાદીને આજે ૭૮ વર્ષ થી વધુ સમય થયો છે. દેશના દરેક જીલ્લાઓમાં અમૃત મહોત્સવ મનાવવા કરોડોની ગ્રાન્ટ વાપરવામાં આવે છે. દરેક સરકારી કાર્યક્રમોમાં વિકાસની મોટી-મોટી વાતો કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ જેવા પ્રોજેક્ટોને કારણે નર્મદા જીલ્લો દેશ અને દુનિયાના નકશામાં પ્રગતિ કરતો આગળ વધી રહ્યો છે. જેનો આપણે સૌ ગૌરવ લઇએ છીએ. ત્યારે આપણે એ પણ સ્વીકારવું પડશે કે આજે પણ જિલ્લાના ઘણા ગામડાઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. જીલ્લાના કેટલાક ગામોમાં રસ્તા ન હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. જેને કારણે મહિલાઓને ડિલિવરી માટે ઝોલી કે નાવડીઓમાં લઈ જવી પડે છે. ઘણા કિસ્સાઓમાં રસ્તે જ બાળક કે મહિલાનું મોત પણ નીપજે છે. ચાપટ ગામની ઘટનાએ સૌને દુઃખી કર્યા હતા. એ પ્રકારની ઘટનાઓના વિડિયો અવારનવાર આપણે જોતા હોઈએ છીએ. એવા ઘણા ગામો છે જ્યાં જવા માટેના રસ્તાઓ આજે પણ બન્યા નથી.
જુનારાજ ગામ પણ આવી જ સ્થિતિ છે, જેનો ૫૦૦ વર્ષ જુનો ઈતિહાસ છે. અહીં ઈ.સ. 1834 માં બનેલ નિલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગોહિલ વંશના રાજાઓના મહેલ, કિલ્લાઓ એના સાક્ષી છે. જુનારાજના કમોદીયા ફળિયામાં આવેલ દેવહાતિયા ભીલનું નિવાસ સ્થાન દેવ હાતરા નો 750 વર્ષ જુના ઈતિહાસનું સાક્ષી છે. પ્રકૃતિના ખોળે વસેલ જુનારાજનો ગૌરવશાળી ઈતિહાસ છે. જે ગામો નીચેના પ્રદેશના વિકાસમાં આજુબાજુના ગામો સાથે છિન્ન-ભિન્ન થઈ ગયા પોતાની સંસ્કૃતિ, પ્રકૃતિ, સમાજથી અલગ થઈ ગયા, અને કરજણ ડેમના નિર્માણમાં સહકાર આપવાથી લાખો ખેડૂતો સિંચાઈથી લાભ વંચિત થયા.