ARAVALLIGUJARATMEGHRAJ

રેલ્લાવાડા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સમયસર હાજર ન રહેતા દર્દીનો રોષ – પગાર પૂરતો લેવો અને ફરજ સમયે મનગમતી હાજરી રાખવી..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સમયસર હાજર ન રહેતા દર્દીનો રોષ – પગાર પૂરતો લેવો અને ફરજ સમયે મનગમતી હાજરી રાખવી..!!!


અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સુવિધાસભર હોવાનું કહી કેટલાક આરોગ્ય કેન્દ્રોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. જ્યારે દર્દીને તાત્કાલિક સારવારની જરૂર પડે ત્યારે તે પ્રથમ સરકારી દવાખાનાની આશ રાખે છે, પરંતુ કેટલીક જગ્યાએ કર્મચારીઓ અને મેડિકલ ઓફિસરની બેદરકારીને કારણે દર્દીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.મેઘરજ તાલુકાનું રેલ્લાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગાઉ પણ ચર્ચામાં રહ્યું છે. કર્મચારીઓથી લઈને મેડિકલ ઓફિસર સમયસર હાજર ન રહેતા હોવાની ફરિયાદો અગાઉ ઉઠી ચૂકી છે, અને હવે ફરી એકવાર આવી જ ફરિયાદો સામે આવી છે. શનિવારના દિવસે નવાગામ ગામનો એક દર્દી રેલ્લાવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે દવા લેવા પહોંચ્યો હતો. દર્દીના જણાવ્યા અનુસાર, દવાખાને પહોંચતા મેડિકલ ઓફિસર હાજર ન હતા. સ્ટાફને પૂછપરછ કરતા ગોળગોળ જવાબો આપવામાં આવ્યા હતા. અંતે દર્દી કંટાળી ને ઇસરી આરોગ્ય કેન્દ્ર જવા મજબૂર બન્યો હતો.દર્દી એ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા મેડિકલ ઓફિસરોને મોટો પગાર આપવામાં આવે છે, છતાં તેઓ સમયસર હાજર રહેતા નથી. જો કોઈ ઈમરજન્સી કેસ આવે અને સાહેબ હાજર ન હોય તો સારવાર કેવી રીતે મળે?” જાણવા મળ્યા મુજબ શનિવારે સવારે 10:07 વાગ્યા સુધી પણ મેડિકલ ઓફિસર હાજર જોવા મળ્યા ન હતા. સ્ટાફ પાસેથી પૂછપરછ કરતાં જણાવાયું હતું કે મેડિકલ ઓફિસર હિંમતનગરથી આવે છે. તેઓ આવે ત્યારબાદ જ સારવાર અને દવા આપવામાં આવશે.રેલ્લાવાડા આરોગ્ય કેન્દ્ર પર ઇટવા, પાંડવારા સહિત આસપાસના ગામોના અનેક દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, પરંતુ સમય સવારે 9:00 વાગ્યાનો હોવા છતાં મેડિકલ ઓફિસર હાજર ન હોતા અનેક સવાલો ઊભા થયા છે.“પગાર પૂરતો લેવો અને ફરજ સમયે મનગમતી હાજરી રાખવી — આ કેટલું યોગ્ય?” એવો પ્રશ્ન દર્દીઓ ઉઠાવી રહ્યા છે. આખરે દર્દીએ પોતાની વ્યથા મીડિયાકર્મીને જણાવી હતી અને સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!