AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રીએ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરેલા વિશાળ કેમ્પમાં 195 લાભાર્થીઓને નવી ઓળખ; CAA અંતર્ગત રાજ્યમાં સૌથી મોટું પ્રમાણપત્ર વિતરણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશાળ કદના ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કુલ 195 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા.

આમ, CAA અંતર્ગત 122 અને જિલ્લા કલેક્ટર કચેરીમાં અગાઉથી નોંધાયેલા 73 મળીને કુલ 195 લોકોને સત્તાવાર રીતે ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવી. આ પ્રમાણપત્રો મેળવતા લાભાર્થીઓમાં વર્ષોથી ભારતમા વસવાટ કરતા શરણાર્થી પરિવારો સામેલ હતા, જેમણે પોતાના જીવનમાં પ્રથમવાર ભારતીય નાગરિક તરીકે ઓળખ મેળવવાનું ગૌરવ અનુભવ્યું.

કાર્યક્રમની શરૂઆતમાં હર્ષ સંઘવીએ ઉપસ્થિત નાગરિકોને સંબોધતા ભાવનાત્મક શબ્દોમાં કહ્યું: “મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.” તેમણે ઉમેર્યું કે એક સાથે 195 લોકોને નાગરિકતા એનાયત થવાનો કાર્યક્રમ દેશના અન્ય રાજ્યોમાં ભાગ્યે જ જોવા મળે. વર્ષોથી યાતનાઓ અને અસુરક્ષા બાદ ભારતમાં શરણ લીધેલા લોકોને હવે ભારત તેમની પોતાની ઓળખ આપી રહ્યું છે, જે ખૂબ ગૌરવની ક્ષણ છે.

CAA કાયદા અંગે બોલતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર વર્ષોથી ચાલતાં અન્યાય અને શોષણને ધ્યાનમાં રાખીને ભારતે માનવતાના આધારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્ણાયક નેતૃત્વને કારણે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ વધુ સરળ અને સુવ્યવસ્થિત બન્યો છે. તેમણે જણાવ્યું કે નાગરિકતા મેળવી રહેલા લોકો હવે આત્મગૌરવ સાથે વિવિધ સરકારી સેવાઓનો લાભ લઈ શકશે અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપી શકશે.

જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વર્ષ 2017થી અત્યાર સુધી સતત આયોજનબદ્ધ રીતે નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક આગળ વધી રહી છે, જે સમગ્ર તંત્રની કાર્યદક્ષતાનું પ્રતિબિંબ છે.

કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ નાગરિકતા મેળવનાર તમામ લોકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે વર્ષોથી જેમણે આ દિવસની રાહ જોઈ છે, તેમના સપના આજે સાકાર થઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના પર ચાલતું દેશ છે અને આજે નવા નાગરિકોને ભારતના વિશાળ કુટુંબમાં આવકારવાનો અવસર મળ્યો છે. CAA કાયદા થકી શરણાર્થી પરિવારોની પીડા અને લાગણીઓનું માન રાખીને કેન્દ્ર સરકારે માનવતાને પ્રથમ સ્થાન આપ્યું છે.

કેમ્પમાં નાગરિકતા મેળવનાર લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા. 1956માં ભારત આવ્યા બાદ જીવનભર નાગરિકતા માટે સંઘર્ષ કરનાર ગાયનેકોલોજિસ્ટ ડો. મહેશકુમાર પુરોહિતે કહ્યું કે નાગરિકતા ન હોવાથી વર્ષોથી અનેક મુશ્કેલોનો સામનો કરવો પડ્યો. “ડોક્યુમેન્ટની પ્રક્રિયા દરમિયાન જ ખબર પડી કે હું ભારતીય નાગરિક નથી. નાગરિકતા ન હોવાને કારણે વિદેશમાં સ્થાયી દીકરીને લાંબા સમય સુધી મળવા પણ જઈ શક્યો નહોતો. CAA કાયદા બાદ અરજી કરીને આખરે 2025માં નાગરિકતા મળી અને હવે હું પાસપોર્ટ મેળવી દીકરીને મળી શક્યો,” એમ તેમણે આનંદભરી લાગણી સાથે જણાવ્યું.

એન્જિનિયર પૂજા અભિમન્યુએ જણાવ્યું કે આ પ્રમાણપત્ર માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ જીવનમાં ગૌરવ, સુરક્ષા અને ઓળખનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયો બદલ આભાર વ્યક્ત કર્યો.

કાર્યક્રમમાં નરોડાના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીએ જણાવ્યું કે વિવિધ દેશોમાં લઘુમતી સમુદાયો સામે શોષણ વર્ષોથી ચાલતું આવ્યું છે. ભારતના CAA કાયદાએ આ લોકોને માનભેર જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. તેમણે નવા નાગરિકોને દેશની પ્રગતિ અને એકતામાં યોગદાન આપવા અનુરોધ કર્યો.

સીટીઝનશીપ એક્ટ 1955ની પ્રક્રિયા વિશે જરૂરી માહિતી સેન્સસ ડિરેક્ટર સુજલ મયાત્રાએ આપી અને સમગ્ર કાનૂની માર્ગદર્શિકા સમજાવી.

કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, વહીવટી તંત્રના અધિકારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ અને મોટા પ્રમાણમાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.

Back to top button
error: Content is protected !!