GUJARATMAHISAGARSANTRAMPUR

માનગઢના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું તથા સખી મંડળોને ચેક/સહાય વિતરણ કરાયું

માનગઢની પવિત્ર તપોભૂમિ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૭માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી
**
આઝાદી પહેલાં દેશ માટે બલિદાન આપવાનું હતું, હવે દેશ, પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે જીવવાનું છે: મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ
*
પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવી દરેક નાગરિક વૃક્ષ વાવી તેનું જતન કરે તેવો મંત્રીશ્રીનો અનુરોધ
**
માનગઢના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું તથા સખી મંડળોને ચેક/સહાય વિતરણ કરાયું
**

 


મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
**
મહીસાગર,
૨૭ ઓગસ્ટ ૨૦૨૬: મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ માનગઢ (ભમરી-કુંડા, તા. સંતરામપુર) સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લાકક્ષાના ૭૭માં વન મહોત્સવ–૨૦૨૬ની ભવ્ય ઉજવણી રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સરક્ષણ,ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ,સરહદી સુરક્ષા અને નશાબંધી અને આબકારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન આપતાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે માનગઢની ઐતિહાસિક ક્રાંતિભૂમિ અને ગોવિંદ ગુરુના પ્રેરણાદાયી જીવનનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ૧૯૧૩માં આ જ ભૂમિ પરથી મા ભારતીની આઝાદી માટે ૧૫૦૭ જેટલા વીર શહીદોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, જેના પરિણામે આજે આપણે આઝાદીનો પ્રકાશ માણી રહ્યા છીએ. આઝાદી પૂર્વે દેશ માટે શહીદી વહોરવાની હતી, જ્યારે આઝાદી પછી હવે આપણે દેશ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને મા ભારતીના ઉત્કર્ષ માટે જીવવાનું છે.

મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિના અવિભાજ્ય સંબંધને રેખાંકિત કરતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ સદીઓથી પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણનું જતન કરનારી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વૃક્ષોમાં પીપળાનું મહત્વ દર્શાવ્યું છે. આપણા શાસ્ત્રોમાં તુલસી, વડ, બીલીપત્ર તેમજ ગંગા, યમુના, નર્મદા અને મહીસાગર જેવી પવિત્ર નદીઓને પૂજનીય માનવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો મંત્ર આપણા જીવનમાં ઉતારી પૃથ્વી અને પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવું એ આપણી નૈતિક ફરજ છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘એક પેડ મા કે નામ’ (એક વૃક્ષ માના નામે) મહાઅભિયાનનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની ૧૪૦ કરોડ જનતા જો પ્રત્યેક એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરે તો પ્રકૃતિનું સંતુલન આપોઆપ જળવાઈ રહેશે. તેમણે ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશી દ્વારા શરૂ કરાયેલા વન મહોત્સવની પરંપરાને આગળ ધપાવી હરિયાળી ક્રાંતિ લાવવા, જળ સંચય કરવા અને ભાવિ પેઢી માટે સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવા સૌ ઉપસ્થિત ગ્રામજનો અને યુવાનોને વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે તેમણે પૌષ્ટિક આહાર તરીકે મિલેટ્સ (શ્રીઅન્ન – બાજરો, જુવાર, રાગી, મકાઈ) અપનાવી સ્વસ્થ ભારત નિર્માણમાં સહભાગી થવા પણ આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે વન સંરક્ષણ અને નર્સરી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામીણ સ્તરે નર્સરી રોપા ઉછેર ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપનાર મિશન મંગલમ સખી મંડળોને પ્રોત્સાહક આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ જનજાગૃતિ અર્થે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન આપતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે પર્યાવરણ સંતુલન જાળવવા માટે ગ્રામીણ સ્તરે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને મહિલા શક્તિ પણ આ હરિયાળી ઝુંબેશમાં સક્રિય ભાગીદારી નોંધાવે તે બાબત પર ભાર મૂક્યો હતો. જ્યારે સંતરામપુરના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે માનગઢની ઐતિહાસિક તપોભૂમિનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને વનસંપદાનું રક્ષણ એ આપણી સંસ્કૃતિનો મુખ્ય આધાર છે. તેમણે નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડીને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રોપેલા દરેક છોડનું વૃક્ષ બને ત્યાં સુધી જતન કરવાનો અનુરોધ કર્યો હતો.

આ ગૌરવપૂર્ણ અવસરે મહીસાગર નાયબ વન સંરક્ષકશ્રી,અરવલ્લી અને ગોધરા વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીઓ, મદદનીશ વન સંરક્ષકશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, સ્થાનિક પદાધિકારીઓ, વનકર્મીઓ, સખી મંડળની બહેનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!