ડાંગના એક ગામમાં અંધશ્રદ્ધા અને દારૂના નશામાં ભાભીને હેરાન કરતા દિયરને181 મહિલા ટીમે પાઠ ભણાવ્યો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં એક ગામમાં અંધશ્રદ્ધા રાખીને ભાભીને ‘ડાકણ’ કહી હેરાન કરતા અને દારૂના નશામાં ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા દિયરને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે યોગ્ય પાઠ ભણાવ્યો હતો.આ ઘટનામાં પીડિત મહિલાની સમયસર મદદ કરવામાં આવી હતી.વઘઈ તાલુકાના એક વિસ્તારમાં રહેતી મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ માંગી હતી.મહિલાએ જણાવ્યું કે તેનો દિયર કોઈ કામધંધો કરતો નથી અને દારૂ પીને ઘરે આવીને તેને હેરાન કરે છે. તે વારંવાર કહે છે કે “તું ડાકણ છે, ભૂતાડી છે. તારા લીધે ઘરમાં કંઈ સારું થતું નથી.આ મારું ઘર છે, તું અહીંથી જતી રહે.”કોલ મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમમાં કાઉન્સિલર નેહા મકવાણા, જી.આર.ડી. રીનાબેન અને પાયલોટ મીકેશભાઈ સામેલ હતા.તેમણે પીડિત મહિલા સાથે વાત કરીને સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.ત્યારે જાણવા મળ્યુ હતુ કે દિયર ઘણા સમયથી દારૂ પીને આવતો અને મહિલા અને તેના પતિને ઘર છોડવા માટે દબાણ કરતો હતો. પરંતુ, તે દિવસે તેણે હદ વટાવી દીધી હતી. તે કુહાડી લઈને આવ્યો હતો અને ઘરનો દરવાજો પણ તોડી નાખ્યો હતો.ત્યારે અભયમ ટીમે બંને પક્ષોનું કાઉન્સિલિંગ કર્યું હતુ.દિયરને સમજાવવામાં આવ્યુ કે ઘરેલું હિંસા, મારઝૂડ કરવી, દારૂનું સેવન અને અપશબ્દો બોલવા કાયદાકીય રીતે ગુનો છે. ટીમે તેને અંધશ્રદ્ધા વિશે પણ સમજાવ્યુ અને જણાવ્યું કે ‘ડાકણ’ જેવુ કંઈ હોતું નથી અને કોઈને ‘ડાકણ’ કહેવું એ ગુનો છે.ટીમે મહિલાનાં દિયરને યોગ્ય સલાહ, સૂચન અને માર્ગદર્શન આપ્યુ. ત્યારબાદ, 112 સાપુતારા પોલીસ સ્ટેશનની મદદ લઈને પીડિત મહિલા અને તેના દિયરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.હાલમાં પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..