GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૨૦ ફેબ્રુઆરી – ‘વિશ્વ સામાજિક ન્યાય દિવસ’ : સમાજના સર્વાંગી વિકાસનો આધાર એટલે સમાનતા

તા.૧૯/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: રિધ્ધિ ત્રિવેદી

રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અન્વયે ૪૦થી વધુ યોજનાઓ અમલીકૃત

Rajkot: વિશ્વમાં વસતાં પ્રત્યેક નાગરિકને સમાન ન્યાય મળે તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ ૨૦૦૭માં સમાનતાના કેન્દ્રવર્તી વિચાર સાથે ૨૦મી ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૦ ફેબ્રુઆરીએ “વિશ્વ સામાજિક ન્યાય દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. સામાજિક અખંડિતતાને ટેકો આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.

‘વિશ્વ સામાજિક ન્યાય દિવસ’નો ઇતિહાસ

સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ ૨૬ નવેમ્બર ૨૦૦૭ના રોજ જાહેરાત કરી હતી કે, દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીને “સામાજિક ન્યાય માટે વિશ્વ દિવસ” તરીકે ઉજવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ આ દિવસની શરૂઆત માનવતા માટે જોખમી સમસ્યાનો સામનો કરવા માટે કરી હતી. તેનો હેતુ સમાનતા ફેલાવીને અન્યાય અને ભેદભાવને નાબૂદ કરવાનો છે.

વિશ્વ સામાજિક ન્યાય વર્ષ ૨૦૨૫ની થીમ “એમ્પાવરિંગ ઇન્ક્લુઝન: બ્રીજીંગ ગેપ્સ ફોર સોશિયલ જસ્ટિસ” (Empowering Inclusion: Bridging Gaps for Social Justice) છે જેનો અર્થ સમાજમાં દરેક પ્રકારની સમાનતા માટે વિવિધ તકો પૂરી પાડવાનો છે. ભારતના બંધારણમાં ધર્મ, જાતિ, ભાષા, જ્ઞાતિ અને લિંગ ભેદભાવથી અંતર જાળવી સામાજિક ન્યાય પ્રક્રિયાના માળખાની રચના કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સમાજના નબળા વર્ગોને શિક્ષણ, પાયાની સવલતો, રોજગારી મળી રહે તેવા સ્ત્રોતોનું સર્જન તથા તેના માટે બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવે છે.

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક સમાનતા માટે અનેક યોજનાઓ અમલી છે. રાજ્યનું પ્રત્યેક બાળક મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘‘રાઈટ ટુ એજ્યુકેશન’’ના નેજા હેઠળની યોજના પણ અમલી છે, તો તેજસ્વી બાળકોને અભ્યાસ માટે આવશ્યક પુસ્તકોની સહાય પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, શિક્ષણ પ્રોત્સાહક અનેકવિધ યોજનાઓ થકી વિવિધ સમાજના દિકરા – દિકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની વિશેષ સવલતો પણ પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ શિષ્‍યવૃત્તિ યોજના સહિતની યોજનાઓ અમલમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્ત્રી સાક્ષરતા દર વધે, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના કાર્યરત છે.

રાજકોટ જિલ્લામાં પણ સામાજિક સમરસતાની સાથે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી તેઓ અન્ય સમાજની સાથે સર્વાંગી વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધે તે માટેના અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યનો વિકાસ સોળે કળાએ ખીલે તે હેતુસર સુચારૂ વ્યવસ્થા અમલી છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં તમામ વર્ગોના લોકોને સમાન લાભ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને “ઘરનું ઘર” મળી રહે તે માટે આવાસ યોજના, જરૂરિયાતમંદ પરિવારની દિકરીને લગ્ન સમયે સહાયરૂપ બનતી “કુંવરબાઈનું મામેરું” તેમજ લોકો પોતાનો વ્યવસાય શરૂ કરીને આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે ‘સાધન સહાય’ વગેરે જેવી અનેકવિધ યોજનાઓને કારણે નબળા વર્ગના લોકો આર્થિક રીતે સ્વાવલંબી બન્યા છે.

સામાજિક ન્યાય દિવસ પર જાતિવાદ અને ઊંચ-નીચના બંધનો દૂર કરીને આ દિવસને સાચા અર્થમાં સાર્થક બનાવીએ, તેમજ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે વિકાસપથ પર આગળ વધીએ.

Back to top button
error: Content is protected !!