કેશોદ નજીક આવેલા અજાબ અને શેરગઢ ગામનાં સીમાડે આવેલ જાગૃત આઈ નાગબાઈ માતાજીના મંદિરે આસપાસના રહીશોની અપાર શ્રદ્ધા અને આસ્થા જોડાયેલ છે. ઘણાં બધાં પરિવારોમાં આઈ નાગબાઈ માતાજી કુળદેવી તરીકે પુજાય છે અને પોતાના કુળદીપકો ની તારણહાર બની મનોવાંછિત ફળ આપે છે. કેશોદના અજાબ ગામનાં મુળ વતની હાલ અમદાવાદ સાણંદ ખાતે પરિવાર સાથે સ્થાયી થયેલાં જીતુભાઈ મેસવાણીયાના પરિવારના આઈ નાગબાઈ માતાજી કુળદેવી તરીકે પુજાય છે ત્યારે તેઓએ આસ્થાભેર સંકલ્પ કર્યો હતો કે અમદાવાદ સાણંદ થી પદયાત્રા કરી પગપાળા આઈ નાગબાઈ માતાજીના મંદિરે પહોંચી દર્શન કરવા અને માની અલૌકિક શક્તિનો અનુભવ કરવો. અમદાવાદ સાણંદ ખાતેથી ગુરુપૂર્ણિમા ના દિવસે જીતુભાઈ મેસવાણીયા એ પોતાની પદયાત્રા નો પ્રારંભ કરી માર્ગમાં આવતાં મંદિરોમાં દેવદર્શન કરતાં કરતાં અને સાધુ સંતો ના આશ્રમમાં સત્સંગ કરતાં કરતાં શ્રી નાગબાઈ માતાજીના મંદિરે પહોંચ્યા હતાં. આઈ નાગબાઈ માતાજીના ચરણોમાં શિશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં ત્યારે પરિવાર પણ આ અમુલ્ય ઘડીએ સાથે જોડાયુ હતું. અમદાવાદ સાણંદ ખાતેથી પગપાળા દર્શને આવેલાં જીતુભાઈ મેસવાણીયા નું હારતોરા કરી શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ