ડાંગ જિલ્લાનાં મહાલના જંગલમાં દીપડીનો આતંક, 7 વર્ષના માસૂમ બાળકનું શિકાર કરતા અરેરાટી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જંગલમાં ધોળા દિવસે બચ્ચા સાથે લટાર મારવા નીકળેલ દીપડીએ બાળકનાં દાદીને ઝખ્મી કરી,જ્યારે બાળકનો જીવ ભરખી ગઈ..
ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ હેઠળ આવતા સુબીર તાલુકાના બરડીપાડા રેન્જમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેમાં મહાલના જંગલ વિસ્તારમાં દીપડીએ સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો છે.મળતી માહિતી મુજબ, મહાલ ગામનો રિતેકભાઈ જિતેરામભાઈ ધુલુમ (ઉમર વર્ષ 7) નામનો બાળક તેના દાદી અંતુબેન સાથે પશુઓ ચરાવવા જંગલ નજીકના ખેતરમાં ગયો હતો.રિતેકના માતા-પિતા સુગર ફેક્ટરીમાં મજૂરી કામે ગયા હોવાથી તે તેના દાદીના આશ્રય હેઠળ હતો. બપોરે આશરે બે વાગ્યાના સુમારે પોતાના બચ્ચા સાથે નીકળેલી દીપડીએ અચાનક દાદી અને બાળક પર હુમલો કરી દીધો હતો. દીપડીએ રિતેકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ.આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ બનાવની જાણ થતા જ બરડીપાડા રેંજનાં આર.એફ.ઓ. ડી.એસ. હળપતિ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. હાલમાં વન વિભાગ દ્વારા આદમખોર દીપડીને પકડવા માટે જંગલમાં પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.




