
વાત્સલ્યમ સમાચાર
વાંસદા
ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયત ફરી એકવાર ચર્ચામાં આવી છે, અને આ વખતે વિવાદનું મૂળ છે 15માં નાણાપંચ યોજના અંતર્ગત થયેલી ડસ્ટબિનની ખરીદીમાં લાખોનું કથિત કૌભાંડ બહાર આવ્યુ છે.ડાંગ જિલ્લામાં ભાજપાનાં સુશાસન અને વિકાસના દાવાઓ વચ્ચે વઘઇ તાલુકા પંચાયતનો ભ્રષ્ટાચાર છાપરે ચડી પોકારી ઉઠ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.કૌભાંડની વિગતો મુજબ,ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતનાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી સી.આર.પઢીયાર અને તાલુકા પંચાયતનાં બાંધકામ એસ.ઓ.આશિષભાઈ ભોયેની ‘જુગલ જોડી’એ 15મું નાણાપંચ અંતર્ગત ડસ્ટબિન ખરીદી માટે પોતાની માનીતી એજન્સીને ઇજારો સોંપ્યો હતો.ગંભીર બાબત એ છે કે ઇજારો મળ્યા બાદ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી સી.આર.પઢીયાર અને એજન્સીએ સરપંચોની જાણ બહાર ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરીઓમાં ડસ્ટબિન ઉતારી દીધી છે.આ ડસ્ટબિન ઉતાર્યાને મહિનાઓ વીતી જવા છતાંય તેનું ઇન્સ્ટોલેશન કરાયું નથી.સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ છે કે આ ડસ્ટબિન ગ્રુપ ગ્રામ પંચાયતમાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં પણ આવેલ ન હોય અને કામગીરી પણ અધૂરી હોય તેમ છતાંય એજન્સીને ₹14 લાખનું જંગી પેમેન્ટ ચૂકવી દેવાયુનું જાણવા મળ્યુ છે. આ પેમેન્ટ ચૂકવણું તાલુકા પંચાયતનાં વહીવટમાં ચાલી રહેલા મોટા ‘બખડ જંતર’ને ઉજાગર કરે છે.યાદી મુજબ, કુલ 14 ગ્રામ પંચાયતમાં ડસ્ટબિનના કામ માટે એક ગામ દીઠ ₹100,000/-(એક લાખ રૂપિયા)ની રકમ ફાળવવામાં આવી હતી. આ તમામ કામો “ગ્રામ બહાર સ્વચ્છ માટે રોડ પર ડસ્ટબિનનું કામ” શીર્ષક હેઠળ હતા.જેમાં કોશિમદા, ચિકાર,ચિચીનાગાવઠા,કાલીબેલ, ચિંચોડ, નાનાપાડા,ભેંડમાળ,સરવર, માનમોડી, ઝાવડા , નડગચોંડ ગ્રામપંચાયતનાં કુલ મળી 14 સ્થળ પર ડસ્ટબિન ના કામ કરવામાં આવેલ હોય તેવું ચોપડે જોવા મળે છે અને આ કુલ 14 સ્થળો પર કુલ મળીને 14 લાખ રૂપિયાનું કામ કરવામાં આવેલ હોવાનું ચોપડે જોવા મળી રહ્યો છે પરંતુ હકીકતમાં તો સ્થળ પર કામ જોવા જ મળતું નથી.આ બાબતે જ્યારે વઘઇ તાલુકા વિકાસ અધિકારી વિવેક ટેલરનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે,”આ યોજના મારા સમયની નથી. જે તે સમયના તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી બને છે.”જોકે, આ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.ડાંગ જિલ્લામાં ભાજપાનાં સુશાસનમાં અમુક કામો કાગળ પર અથવા અધૂરા હોય તેમ છતાંય પૂરેપૂરું ચુકવણું થતુ હોય તો વિકાસ ક્યાં જઈને અટકશે તે મોટો પ્રશ્ન બન્યો છે.વધુમાં, વઘઇ તાલુકા પંચાયતમાં 15માં નાણાપંચ સહિત વિવેકાધીન, મનરેગા સહિતની અનેક યોજનાઓ અભરાઈ પર ચડી હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ થાય અને સરકારી ગ્રાન્ટનો ઓહ્યો કરવામાં ભાગીદાર અધિકારી અને એજન્સી સામે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.જોકે જવાબદર અધિકારીઓ આ ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવા યોગ્ય પારદર્શક તપાસ કરશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યુ..





