
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
Dang: ઝારખંડના જમશેદપુરમાં યોજાયેલા ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના સંવાદ 2024માં ડાંગના કલાકારોએ પોતાની કળાથી સમગ્ર દેશનું મન મોહ્યુ છે.ભારતના સૌથી મોટા આદિવાસી સંવાદમાં હજારોની સંખ્યામાં દેશભરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત પહેરવેશ, આદિવાસી ખાનપાન અને હસ્તકલાના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ડાંગના ચિંચલી ગામના યુવા કલાકારોએ પરંપરાગત ડાંગી નૃત્ય રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.જ્યારે ડાંગના પ્રખ્યાત રેપર ટી આર કામડીએ ડાંગી પાવરી, થાળી અને કહાડ્યા સાથે ડાંગી રાજાઓના શૌર્ય અને આદિવાસી જીવનને બિરદાવતા ગીતો રજૂ કરીને સૌને નવાજ્યા હતા.તેમણે ડાંગી વાધોના તાલે સૌને નચાવતાં ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો.એડવોકેટ સુનીલ ગામીત અને એડવોકેટ ઉમેશ માહલાના નેતૃત્વ હેઠળ પણ ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતુ.ગત વર્ષે ટી આર કામડીએ જમશેદપુર અને નાગાલેન્ડના ઇન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં પણ ડાંગી સંગીત રજૂ કરીને ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું હતુ. આ વર્ષે જાન્યુઆરીમાં તેઓ મુંબઈના કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ અને ભોપાલમાં પણ ડાંગી સંગીત અને નૃત્ય રજૂ કરશે.આ સંવાદ દ્વારા આદિવાસી સમાજના યુવાનોને પોતાની કળા અને હસ્તકલાને પ્રદર્શિત કરવાની તક મળી છે. આ સાથે જ દેશના વિવિધ પ્રાંતોના લોકોને આદિવાસી સંસ્કૃતિથી રૂબરૂ થવાની તક મળી છે. જમશેદપુરમાં યોજાયેલ આ સંવાદ દ્વારા ડાંગની કલા અને સંસ્કૃતિને દેશભરમાં પ્રચાર મળ્યો છે. ટી આર કામડી જેવા કલાકારોના પ્રયત્નોથી આદિવાસી સંગીત અને નૃત્યને નવી પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળશે..




