મહીસાગર જિલ્લાના ગોધર તાલુકામાં ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં મહિલા સશક્તિકરણનો ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન

♦ગોધરમાં ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં મહિલા સશક્તિકરણનો ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના આજણવા પ્રાથમિક શાળા ખાતે મહિલા ઉત્કર્ષ અને આર્થિક સ્વાવલંબન માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના મુખ્ય અતિથિ સ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામીણ મહિલાઓને ખેતીવાડી અને પશુપાલન સાથે લાઈવલી હૂડ પ્રવૃત્તિઓ દ્વારા આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી કાજુના રોપાઓનું વિતરણ તેમજ કેશ ક્રેડિટ લોન ધિરાણના ચેકોનું અર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે મિશન મંગલમ યોજના હેઠળ મહિલા સ્વ-સહાય જૂથોને આર્થિક બળ પૂરું પાડવા માટે કુલ ૬૧.૧૦ લાખ રૂપિયાની લોન સીધી જૂથોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ જૂથોને પ્રત્યક્ષ રીતે ૧૫ લાખ રૂપિયાના લોન ધિરાણના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા. આ આર્થિક સહાયનો ઉપયોગ કરીને બહેનો નાના ઉદ્યોગો શરૂ કરી શકે અને પરિવારના આર્થિક સ્તરમાં સુધારો લાવી શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સાથે જ પર્યાવરણ અને આવકના સ્ત્રોત વધારવા માટે મહિલાઓને કાજુના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર મહિલાઓને સક્ષમ બનાવવા માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. તેમણે કાજુના વાવેતરથી થતા આર્થિક ફાયદાઓ અને કેશ ક્રેડિટ લોનનો સદુપયોગ કરી કેવી રીતે પગભર થઈ શકાય તે અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે શિશુના સર્વાંગી વિકાસ માટે માતાના દૂધના મહત્વ વિશે સમજ આપતા જણાવ્યું હતું કે બાળકને જન્મ બાદ અવશ્ય સ્તનપાન કરાવવું જોઈએ, જે તેના ભવિષ્યના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે.
કાર્યક્રમના બીજા તબક્કામાં ગોધર તાલુકા પંચાયત કચેરીના કેમ્પસ ખાતે રામદેવ મિશન મંગલમ જૂથ દ્વારા સંચાલિત ‘મંગલમ કેન્ટીન’નું મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્ટીનના માધ્યમથી સખી મંડળની બહેનોને રોજગારીની નવી તક પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરે પણ બહેનોને આર્થિક પ્રવૃત્તિઓ વધારી સ્વાવલંબી બનવા અનુરોધ કર્યો હતો.




