વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકામાં શનિવારે સાંજથી મેઘરાજાની સવારી શરૂ થતાં પવનના ભારે સુસવાટા સાથે તેજગતિએ વરસાદ વરસ્યો હતો.અને રવિવારે પણ સવારથી જ વરસાદનું આગમન જારી રહેતા તાલુકાના અનેક રસ્તા તેમજ લો લેવલ બ્રિજ ઉપરથી અવરજવર બંધ થઇ જતા લોકોએ લાંબો ચકરાવો લેવો પડ્યો હતો.તાલુકાના કુલ 11 જેટલા રસ્તા વરસાદના કારણે બંધ થયા હતા. જેમાં ખેરગામ ચીખલી રોડ પર પાણી આવી જવાથી વાહનોની રસ્તા પર લાંબી કટારો લાગી ગઈ હતી અને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી આ ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ચીખલી રોડના દાદરી ફળિયાના યુવકો ના સાથ સહયોગથી સમસ્યા દૂર કરી હતી ટ્રાફિકને દૂર કરવા માટે બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.ખેરગામ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ખેરગામના એપીએમસી માર્કેટ યાર્ડમાં દુકાનોમાં પાણી ઘુસી જતા 20 થી વધુ દૂકનાદારો આજે વેપાર ધંધાથી અળગા રહ્યા હતા.માર્કેટયાર્ડમાં ગુટણ જેટલું પાણી ભરાય ગયું હતું આછવણી રોડ ઉપર મિશન ફળિયા જતા રસ્તે પણ ખડકીયા પાસે પાણીનો ભરાવો થયો હતો ખેરગામના કાછિયા ફળિયામાં દાદરી ફળિયાના આસપાસમાં આવેલા ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી નો સામાન બધો પાણીમાં ડૂબી ગયો હતો.જ્યારે મિશન ફળિયાનો રસ્તો પણ કલાકો સુધી બંધ રહ્યો હતો.